બ્રિસ્ટલઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ૬૯ રન કરતાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી પ્રથમ ખેલાડી બની છે. મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ રાખી આ સિદ્ધિ મેળવી છે. એડવર્ડે ૧૯૧ વન-ડે મેચમાં ૫,૯૯૨ રન કર્યા હતા, જેમાં ૯ સદી અને ૪૬ અર્ધી સદી સામેલ હતી.
મિતાલીએ ૨૬ જૂન ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની વન-ડે મેચથી ઇન્ટરનેશનલ કારકિર્દી શરૂ કરી હતી. મિતાલીને ઓસ્ટ્રેલિયા સામેની મેચ અગાઉ રેકોર્ડ તોડવા ૪૧ રનની જરૂર હતી. મિતાલીના કુલ ૬,૦૨૮ રન થયા છે અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વની એક માત્ર ખેલાડી બની છે.
રેકોર્ડ પર એક નજર
મિતાલીએ મહિલા વર્લ્ડ કપ પહેલાં સતત છ મેચમાં અર્ધી સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ૭૧ રન કરવાની સાથે સતત સાત મેચમાં અર્ધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મિતાલી વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી સર્વાધિક ૪૯ અર્ધી સદી ફટકારી ચૂકી છે. તેના પહેલાં ઇંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડનાં નામે ૪૬ અર્ધી સદીનો રેકોર્ડ હતો. આ વર્ષે મિતાલીએ નવ અર્ધી સદી ફટકારીને એલિસ પેરીના રેકોર્ડની બરાબરી કરી છે. પેરીએ ગત વર્ષે નવ અર્ધી સદી ફટકારી હતી. મહિલા ક્રિકેટમાં સૌથી નાની વયે પદાર્પણ મેચમાં સદી ફટકારવાનો રેકોર્ડ મિતાલીનાં નામે છે. મિતાલીએ ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની વયે આયર્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારી હતી. ૧૦૦થી વધુ વન-ડે મેચ રમનાર મહિલા ખેલાડીઓમાં પણ વિશ્વમાં સૌથી સારી એવરેજ ૫૧.૮૧ મિતાલીની છે.