મીરપુરઃ બાંગ્લાદેશની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં આકર્ષક દેખાવ કરનાર ટીમ ઇંડિયાનો પહેલી વન-ડેમાં કારમો પરાજય થયો છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ત્રણ બેટ્સમેનોની અડધી સદી સાથે ૩૦૭ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. આ પછી પોતાની કારકિર્દીની પહેલી જ આંતરરાષ્ટ્રીય વન-ડે રમી રહેલા પેસ બોલર મુસ્થાફિઝુર રહેમાને પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ટીમ ઇંડિયાનો દાવ ૨૨૮ રનમાં જ સમેટાઈ જતાં બાંગ્લાદેશનો ૭૯ રને વિજય થયો હતો.
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના ઓપનર સૌમ્ય સરકાર (૫૪) અને તમીમ ઇકબાલે (૬૦) ૧૦૨ રનની મહત્ત્વની ભાગીદારી નોંધાવી હતી. શાકીબ અલ હસને બાવન રન કર્યા હતા. ભારતીય બોલરો બાંગ્લાદેશના બેટ્સમેનોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૫૪ રન ફટકારનાર સૌમ્ય સરકાર આઉટ થયા બાદ બાંગ્લાદેશે ત્રણ વિકેટો જલદી ગુમાવી હતી.
ભારતની શરૂઆત સંગીન થઇ હતી, પણ બાદમાં ધબડકો થયો હતો. રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે ૯૫ રનની ભાગીદારી નોંધાવી હતી. શિખર ધવન ૩૦ રન બનાવી આઉટ થયો હતો ત્યારબાદ વિરાટ કોહલી પણ એક રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ ૬૩ રન કર્યા હતા. અજિંક્ય રહાણે નવ રને અને પછી ધોની પાંચ રન કરીને આઉટ થયો હતો. સુરેશ રૈના ૪૦ રને આઉટ થયા બાદ અશ્વિન પણ આઉટ થયો હતો. રહેમાને રોહિત શર્મા, રહાણે, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને અશ્વિન એમ પાંચ મહત્ત્વની વિકેટ ઝડપી હતી.
કોહલી વિકેટકીપર બન્યો
વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી વખત વિકેટકીપિંગ કરી હતી. તેણે ધોનીના ગ્લોવ્ઝ પહેર્યા હતા. વિરાટે પેડ નહોતા પહેર્યા. તેણે ઉમેશની આખી એક ઓવરમાં ઝડપી બોલ રોક્યા હતા.