મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા રહી હતી. રોમાંચક બાબત એ છે કે માત્ર ભારતીય ટીમના જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડના ‘ભારતીય મૂળ’ના ખેલાડીઓએ પણ તમામના દિલ જીતી લીધા હતા. ઘરઆંગણે સતત ૧૪ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમની ઉજવણીની ઘણી તસવીરો જોવા મળી હશે પરંતુ અશ્વિને જે ફોટો ક્લિક કર્યો હતો તે સૌથી અલગ અને અનોખો છે. આઇસીસીએ પણ આ તસવીરને પરફેક્ટ તરીકે વર્ણવી છે.
ન્યૂઝીલેન્ડની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓ એક યા બીજા સમયે સતત સ્થાન મેળવતા રહ્યા છે. વર્તમાન ટીમમાં બે ખેલાડીઓ એજાઝ પટેલ અને રચિન રવીન્દ્ર છે. રસપ્રદ બાબત એ છે કે સમાન નામ અને સરનેમવાળા ખેલાડીઓ ભારતીય ટીમમાં સામેલ છે. અશ્વિને આ ચારેય ખેલાડીઓને તેમના નામના ક્રમ સાથે ઊભા રાખીને તસવીર ક્લિક કરી હતી. અક્ષર પટેલની જર્સી ઉપર માત્ર AXAR લખેલું હોય છે તેવી રીતે એજાઝની જર્સી ઉપર PATEL, રચિનની જર્સી ઉપર RAVINDRA અને રવીન્દ્ર જાડેજાની જર્સી ઉપર માત્ર JADEJA લખેલું હોય છે. અશ્વિને ચારેયને એકસાથે ઊભા રાખતા AXAR PATEL RAVINDRA JADEJA વંચાતું હતું.