નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને સર્જ્યો છે. અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રને હરાવીને અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાને ગત વિજેતા ઇંગ્લેન્ડને હરાવીને મોટી જીત મેળવી હતી. 2015ના વર્લ્ડકપ બાદ આઇસીસી વર્લ્ડ કપમાં અફઘાની ટીમની આ પહેલી જીત છે. જ્યારે ઇંગ્લેન્ડને ભારતીય ધરતી પર 12 વર્ષમાં બીજી વાર વર્લ્ડ કપમાં મોટા અપસેટનો શિકાર બનવું પડ્યું હતું. 2011ના વર્લ્ડ કપમાં બેંગલૂરુમાં આયરલેન્ડે ઇંગ્લેન્ડને પરાજિત કરીને મોટો ઉલટફેર કર્યો હતો. ઇંગ્લેન્ડના સુકાની બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો, પણ તેનો આ નિર્ણય ખોટો ઠર્યો હતો. અફઘાન ઓપનર રહેમાનુલ્લા ગુરબાને શાનદાર 80 રનની ઇનિંગ રમી હતી. અફઘાન ટીમે 49.5 ઓવરમાં 284 રન કર્યા હતા. 285 રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમનો અફઘાની સ્પિનર્સ સામે ધબડકો થયો હતો. ઇંગ્લેન્ડ વતી એકમાત્ર બેરી બ્રૂક્સ જ 66 રનની સારી ઇનિંગ રમી શક્યો હતો. બાકી ટીમના બેટ્સમેનો અફઘાની સ્પિન ત્રિપુટી સામે રમવામાં નિષ્ફળ ગઇ હતી. અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન, મેન ઓફ ધ મેચ મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.