નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને વિશ્વવિજેતા ઈંગ્લેન્ડને હરાવીને સર્જ્યો તો બીજો અપસેટ નેધરલેન્ડે સર્જ્યો છે. નેધરલેન્ડે મંગળવારે ધરમશાલામાં મંગળવારે રમાયેલી એક મેચમાં સાઉથ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું. મંગળવારે રમાયેલી મેચમાં નેધરલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 43 ઓવરમાં આઠ વિકેટે 245 રન કર્યા હતા. જ્યારે 246 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા આફ્રિકાનો દાવ 207 રનમાં જ સમેટાઇ ગયો હતો.
આ પૂર્વે અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રને હરાવી અપસેટ સર્જ્યો હતો. 2015ના વર્લ્ડકપ બાદ આઇસીસી વર્લ્ડ કપમાં અફઘાન ટીમની આ પહેલી જીત છે. જ્યારે ઇંગ્લેન્ડને ભારતીય ધરતી પર 12 વર્ષમાં બીજી વાર વર્લ્ડ કપમાં મોટા અપસેટનો શિકાર બનવું પડ્યું હતું. 2011ના વર્લ્ડ કપમાં બેંગલૂરુમાં આયરલેન્ડે ઇંગ્લેન્ડને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. અફઘાનિસ્તાને 284 રન કર્યા હતા, જેની સામે ઈંગ્લેન્ડનો દાવ 215 રનમાં પૂરો થઇ ગયો હતો.