ટોક્યોઃ ઓલિમ્પિક્સમાં મંગળવારે રમાયેલી મેચમાં વિશ્વવિજેતા બેલ્જિયમે ભારતીય મેન્સ હોકી ટીમને છેલ્લા ક્વાર્ટરમાં ૫-૨થી હરાવીને સતત બીજી વખત ઓલિમ્પિકની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. હવે બેલ્જિયમ પાસે વિશ્વવિજેતાપદ જાળવી રાખવા ઉપરાંત ઓલિમ્પિક ચેમ્પિયન બનવાની તક પણ છે. બેલ્જિયમની ટીમ પાંચ વર્ષ પહેલાં રિયો ઓલિમ્પિકમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી, પણ એ સમયે આર્જેન્ટિનાએ તેનું સપનું રોળી નાખ્યું હતું. હવે તે ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચેની મેચના વિજેતા સામે ફાઇનલમાં રમીને ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.
બેલ્જિયમ સામેના પરાજયે ભારતની આશાને મોટો આંચકો આપ્યો છે. જોકે, ભારત પાસે હજુ પણ કાંસ્યચંદ્રક જીતવાની તક છે અને ભારત એ ચંદ્રક જીતશે તો એ ઓલિમ્પિક હોકીમાં તેણે ૪૧ વર્ષ બાદ જિતેલો ચંદ્રક હશે. ભારતે છેલ્લે ૧૯૮૦ની મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
અને પલટાયું બેલ્જિયમનું ભાગ્ય
ભારતીય ટીમે આમ તો જોરદાર ટક્કર આપી હતી અને મેચને પોતાની તરફેણમાં રાખવાનો ઇરાદો દેખાડ્યો હતો, પરંતુ બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં ચેમ્પિયનો જેવી રમત રમીને આ જીત હાંસલ કરી હતી. તેમણે બીજા ક્વાર્ટરના અંતમાં સ્કોર બરોબર કર્યો. બાદ ત્રીજા ક્વાર્ટરમાં મેચ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેમને ખાસ સફળતા મળી ન હતી, પરંતુ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ભારત પર દબાણ જાળવી રાખવામાં બેલ્જિયમ સફળ થયું હતું.
તેણે છેલ્લા ક્વાર્ટરમાં ભારતને સંપૂર્ણપણે રક્ષણાત્મક રમત રમવામાં વ્યસ્ત રાખ્યું હતું અને ભારતને હુમલો કરવાની તક આપી ન હતી. બેલ્જિયમે સૌપ્રથમ નવમા પેનલ્ટી કોર્નરને ગોલમાં પલટાવીને સ્કોર ૩-૨ કર્યો હતો. એ ગોલ હેન્ડ્રિક્સે કર્યો હતો, જે તેમનો ૧૩મો ઓલિમ્પિક ગોલ હતો. તેની થોડી મિનિટ્સ પછી મળેલા વધુ એક પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ હેન્ડ્રિક્સે ગોલ કરીને ૪-૨ના સ્કોર સાથે ભારતની હાર નિશ્ચિત કરી દીધી હતી.
ભારતે દબાવ્યું પેનિક બટન
મૅચ પૂરી થવાને બે મિનિટ બાકી હતી ત્યારે ભારતે વધારાના એક ખેલાડીને મેચમાં ઉતારીને પેનિક બટન દબાવ્યું હતું અને શ્રીજેશ મેચમાંથી બહાર થઈ ગયા હતા. ભારતે આક્રમણ માટે આખી ટીમને મેદાનમાં ઉતારી દીધી હતી, પરંતુ તેનાથી તેને કોઈ લાભ થયો ન હતો. ઉપરથી બેલ્જિયમે તેનો લાભ લઈને પાંચમો ગોલ ફટકાર્યો હતો અને જીત સુનિશ્ચિત કરવામાં સફળ થયું હતું.