અસ્તાનાઃ વિમેન્સ બોક્સિંગમાં પાંચ વખત ૫૧ કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની મેરી કોમ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જતા ભારતીય કેમ્પમાં નિરાશા ફરી વળી છે. ભારતીય બોક્સિંગ ટીમના ચીફ કોચ ડી. ચંદ્રલાલે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે મેરી કોમ તેની હરીફ સામેનો મુકાબલો જીતી જ છે તેમ અમે માનતા હતા, પણ કમ્પ્યુટર દ્વારા જે પરિણામ આવ્યું તેમાં તેને પરાજીત બતાવતા અમે આઘાત સાથે આશ્ચર્ય અનુભવ્યું હતું.
નવી સિસ્ટમ પ્રમાણે પાંચ જજ પોતપોતાની રીતે તેમના પોઇન્ટ કમ્પ્યુટરને આપી દેતા હોય છે. કમ્પ્યુટર તેમાંથી કોઇ પણ ત્રણ જજના જ પોઇન્ટ ગ્રહણ કરે છે. શક્ય છે કે જે જજે ઓછા સ્કોર આપ્યા હોય તેનો જ સ્કોર કમ્પ્યુટરે લીધો હોય તેવું બનવા સંભવ છે.
જજનો નિર્ણય પણ યોગ્ય નહીં જ હોય કેમ કે મેરી કોમનો તે મુકાબલો જોઈને કોઇ પણને પહેલી નજરે એવું જ લાગે કે મેરી કોમ જ જીતેલી જાહેર થશે.
કોચ ચંદ્રલાલે કહ્યું હતું કે ઓલિમ્પિક કમિટિના નિયમ પ્રમાણે બોક્સર પરિણામને પડકારી શકતો નથી.