હો ચી મિન્સ સિટી (વિયેતનામ)ઃ , તા. ૮ સાતમી એશિયન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 'સુપરમોમ' એમ સી મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં સાઉથ કોરિયાની કિમ હ્યાંગને પરાસ્ત કરી હતી. એશિયન ચેમ્પિયનશિપમાં આ તેનો પાંચમો ગોલ્ડ મેડલ છે. મેરી કોમ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. આમ તે એશિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ-પાંચ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર છે. ૪૧, ૪૫, ૪૬ તથા ૫૧ કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ તથા ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો હતો.
૩૪ વર્ષની ઉંમર અને ત્રણ બાળકોની માતા મેરી કોમે લાઇટવેઇટ કેટેગરીની ફાઇનલમાં કિમ હ્યાંગને ૫-૦થી પરાજય આપ્યો હતો. મેરી કોમ ૨૦૦૧માં શરૂ થયેલી ચેમ્પિયનશિપમાં ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ તથા ૨૦૧૨માં ગોલ્ડ અને ૨૦૦૮માં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. તે સાંસદ પણ છે અને સંભવિત એવી પ્રથમ ખેલાડી છે જે સાંસદ રહીને એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતી છે. કોંગ્રેસના નવીન જિંદલ તથા કેન્દ્રીય પ્રધાન રાવ ઇંદરજીત સિંહ પણ સાંસદ રહીને ઇન્ટરનેશનલ મેડલ જીતી ચૂક્યા છે. જોકે તેઓ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ્સ જીત્યા નથી.