દોહા: આર્જેન્ટીનાએ 36 વર્ષ બાદ ફિફા વિશ્વકપ 4-2થી જીતી લીધો છે. આ સાથે આર્જેન્ટીના ત્રીજી વાર વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ફીફા વિશ્વ કપ 2022ની ફાઈનલનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ મારફત કરાયો હતો. નિયત સમય અને 30 મિનીટના એક્સ્ટ્રા ટાઇમ બાદ બન્ને ટીમ 3-3થી સમકક્ષ રહેતા પેનલ્ટી શૂટઆઉટ મારફત ફેંસલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફાઈનલમાં ફ્રાન્સના એમ્બાપેએ હેટ્રિક ગોલ ફટકારી ઈતિહાસ સર્જી દીધો હતો તો સામે મેસ્સીએ બે ગોલ કાર્ય હતા.
મેસ્સી અને એમ્બાપે વચ્ચેની સીધી સ્પર્ધા સમાન બની ગયેલી ફાઈનલમાં સેકંડ એક્સ્ટ્રા હાફમાં 108મી મિનિટે મેસ્સીનો મેજિક ચાલ્યો હતો અને વીજળી વેગે ગોલ ફટકાર્યો હતો. આ સાથે સ્કોર 3-2 થઇ ગયો હતો. જોકે આર્જેન્ટીનાની ખુશી લાંબો સમય ટકી ન હતી. એમ્બાપેએ 118મી મિનીટે પોતાનો અને દેશનો ત્રીજો ગોલ ફટકારી દીધો હતો અને સ્કોર 3-3થી લેવલ પર લાવી દીધો હતો. આ અગાઉ ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચેની ફાઈનલ મેચ ભરપૂર રસાકસી સાથે નિયત સમયમાં 2-2થી સમકક્ષ રહ્યા બાદ એક્સ્ટ્રા ટાઇમમાં પ્રવેશી હતી. 15-15 મિનીટના બે હાફ આપવામાં આવ્યા હતા.
જોકે પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. આ અગાઉ મેચના પહેલા હાફમાં જ આર્જેન્ટીનાની ટીમે બે ગોલ ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા જયારે બીજા હાફમાં એમ્બાપેએ બે મિનીટમાં બે ગોલ કર્યા હતા. એમ્બાપે 80મી મિનીટે પેનલ્ટી પર ટીમ માટે પ્રથમ ગોલ ફટકાર્યો હતો અને પછી એક મિનીટમાં જ બીજો ગોલ ફટકારીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલા આર્જેન્ટીનાના સુકાની લીયોનેલ મેસ્સી પર બધાની નજર હતી મેસ્સીએ પણ પોતાના પ્રશંસકોને નિરાશ નહોતા કાર્ય અને તેને પેનલ્ટી પર પહેલો ગોલ ફટકાર્યો હતો.
વિજેતાને રૂ. 347 કરોડ
વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ જીતવાની સાથે સાથે કરોડો રૂપિયા પણ પોતાની સાથે લઈ ગઈ હતી. ફીફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની સૌથી વધુ છે અને ન માત્ર વિજેતા ટીમ, પરંતુ ઉપ-વિજેતા ટીમ પણ માલામાલ થઈ જશે. ફીફા દ્વારા વર્લ્ડ કપ દરમિયાન કુલ 3,641 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, જે અલગ-અલગ ટીમને પ્રાઈઝ મની તરીકે મળે છે. જેમાં દરેક ટીમને ભાગ લેવા માટેની ફી, ગોલની ફી ઉપરાંત વિજેતા, ઉપવિજેતા, નોકઆઉટ મેચમાં પહોંચનારી ટીમની રકમ હોય છે.
મેસ્સીને ગોલ્ડન બોલ - એમ્બાપેને ગોલ્ડન બૂટ
ફિફા વિશ્વકપનો મુખ્ય એવોર્ડ - ફિફા ટ્રોફી આર્જેન્ટીનાએ મેળવી છે. જોકે આ ટૂર્નામેન્ટમાં વિવિધ વ્યક્તિગત એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતાં. જે ખેલાડીઓના સમગ્રતયા દેખાવને ધ્યાનમા રાખીને અપાયા હતાં. તમામ એવોર્ડ્સમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગોલ્ડન બૂટ હોય છે જે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે ગોલ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. ફાઇનલ અગાઉ આ એવોર્ડ માટેના ટોચના દાવેદાર આર્જેન્ટીનાના મેસ્સી અને ફ્રાન્સના એમ્બાપે હતાં. બન્નેએ ફાઇનલ અગાઉ પાંચ-પાંચ ગોલ કર્યા હતાં. જોકે આખરે આ ખિતાબનો વિજેતા કિલિયન એમબાપે રહ્યો હતો. ગોલ્ડન ગ્લોવ એવોર્ડ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ગોલકીપરને આપવામાં આવે છે. આ એવોર્ડનો વિજેતા માર્ટિનેઝ રહ્યો હતો. ગોલ્ડન બોલ એવોર્ડ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. એવા ઘણા ખેલાડીઓ હતાં જેમણે ફિફામાં શાનદાર દેખાવ કર્યો હતો. આ એવોર્ડ જીતવા માટે જે ખેલાડીઓ દાવેદાર હતાં તેમાં મેસ્સી, એમબાપે અને યાસિન બાઉનોઝનો સમાવેશ થયો હતો. આ એવોર્ડ આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીના ફાળે ગયો હતો.