લંડન: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ સંકેત આપ્યો છે કે બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ તે ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરી શકે છે. 34 વર્ષીય મોઇન અલીએ ગયા વર્ષે 64 ટેસ્ટમાં 195 વિકેટ ઝડપવા ઉપરાંત 28.29ની સરેરાશથી 2,914 રન બનાવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. મોઇન અલીએ ટેસ્ટમાં પાંચ સદી પણ નોંધાવી હતી.
મોઇને ક્વિન્સ બર્થ-ડે ઓનર્સમાં ક્રિકેટની સેવા માટે ઓબીઇ મેડલથી સન્માનિત થયા બાદ આ ખુલાસો કર્યો હતો. મોઇન અલીએ જણાવ્યું હતું કે, મેક્કુલમે મને મેસેજ કર્યો હતો કે શું હું ટીમમાં છું? IPLમાં હું તેની સાથે રમ્યો છું અને તેના કોચિંગનો મેં આનંદ પણ માણ્યો છે. કેટલાક દિવસ પહેલાં ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી પામ્યા બાદ મેક્કુલમે મને મારા રેડ બોર્ડ રિટર્ન અંગે માહિતી આપી હતી. મેક્કુલમના નેતૃત્વમાં ઇંગ્લેન્ડના ક્રિકેટનો કેટલો વિકાસ થાય છે તે રસપ્રદ બની રહેશે. નોંધનીય છે કે મોઇન ઇંગ્લેન્ડની વ્હાઇટ બોલ ટીમનો મુખ્ય સભ્ય છે અને તે 2019ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ છે.