બર્મિંગહામઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇનઅલીની બર્મિંગહામ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ૪૦ મિનિટ સુધી પૂછપરછ કરાઈ હતી. મોઈનઅલી વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ટીમ સાથે જોડાવા માટે જઈ રહ્યો હતો. જેથી ૨૦૧૬ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રારંભિક મેચમાં રમી શકે, પરંતુ સુરક્ષા અધિકારીઓએ તપાસ માટે ૪૦ મિનિટ સધી રોકી રાખ્યો હતો.
આ અંગે ૨૮ વર્ષીય મોઇનઅલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ સાથે પ્રવાસ દરમિયાન ક્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ નથી. બર્મિંગહામમાં જન્મેલા મોઇનનો પરિવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો છે. મોઈને પોતાની હતાશા સોશિયલ મીડિયા પર દર્શાવી હતી, પરંતુ તેને પ્રશંસકોનો સાથ મળ્યો નહોતો. પરંતુ કેટલાક લોકોએ તેની મશ્કરી કરતાં ટ્વિટ કરી હતી. એક ટ્વિટમાં જણાવાયું હતું કે, સુરક્ષાકર્મીઓનો દોષ નથી. મોઇનઅલી આઇએસઆઈએસના આતંકવાદી જેવો દેખાય છે. જોકે, આદિલ રશીદ અને ઓવૈસ શાહે મોઇનઅલી સાથે કરાયેલા વ્યવહારની ટીકા કરી હતી.