નવી દિલ્હીઃ ભારતના સૌથી ફિટ ક્રિકેટરોમાં સ્થાન ધરાવતા મોહમ્મદ કૈફે ૧૩ જુલાઇએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. કૈફ ૧૩ જુલાઈ ૨૦૦૨ના રોજ નેટવેસ્ટ શ્રેણીની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતના વિજયનો હીરો રહ્યો છે. તેણે ૮૭ રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. કૈફે ૧૬ વર્ષ બાદ એ જ દિવસે ક્રિકેટને અલવિદા કહી છે. કૈફે ૧૨ વર્ષ પહેલાં ૨૦૦૬માં સાઉથ આફ્રિકા સામે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટ્વિટ કરીને સંન્યાસની જાહેરાત કરી છે.
કૈફે લખ્યું છે કે, ‘મેં જ્યારે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મારું સ્વપ્ન માત્ર ભારત માટે રમવાનું હતું. હું નસીબદાર રહ્યો કે મેં જીવનના લાંબા સમય સુધી મેદાન પર રમીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.’ કૈફે બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સી. કે. ખન્ના અને સચિવ અમિતાભ ચૌધરીને સંબોધતા પત્રમાં જણાવ્યું હતું, 'હું આજથી ક્રિકેટના ક્ષેત્રમાં મારા સંન્યાસની જાહેરાત કરી રહ્યો છું. હું ૧૩ જુલાઈના ખાસ દિવસને અનુલક્ષીને આમ કરી રહ્યો છું. આપણા જીવનનો દરેક દિવસ મહત્ત્વનો હોય છે અને ૧૬ વર્ષ પહેલાં મેં ૧૩ જુલાઈ ૨૦૦૨ના રોજ નેટવેસ્ટ શ્રેણીની ફાઈનલમાં ટીમને ટાઈટલ સાથે વિજય અપાવ્યો હતો.’ ઉલ્લેખનીય છે કે ભારતને આ મેચમાં ૩૨૫ રનનું લક્ષ્ય મળ્યું હતું. કૈફે યુવરાજ સાથે અણનમ ૮૭ રનની ઈનિંગ્સ રમી હતી.