કોલકાતાઃ ટીમ ઇંડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુસીબતમાં વધારો થયો છે. ડોમેસ્ટિક વાયોલન્સની કલમ આઈપીસી ૪૯૮-એ હેઠળ મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ સામે અલીપોર કોર્ટે અરેસ્ટ વોરન્ટ જારી કર્યું છે. અલીપોર કોર્ટે શમીને ૧૫ દિવસમાં સરેન્ડર થઈ જવાનો આદેશ આપ્યો છે. મોહમ્મદ શમી અને તેનો ભાઇ હસીદ સરેન્ડર થયા બાદ જ જામીન માટે અરજી કરી શકશે.
હાલમાં શમી ભારતીય ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. પત્ની હસીન જહાંએ ૨૦૧૮માં તેની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જહાંએ આ ફરિયાદ નોંધાવી છે ત્યારથી શમી ક્યારેય કોર્ટ સમક્ષ હાજર થયો નથી. શમીએ થોડાક દિવસ અગાઉ જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને આશા છે કે બધું જ સારું થઈ જશે. જે કંઇ પણ પરિણામ આવશે તેનો સામનો કરવા તૈયાર છું. ક્રિકેટ લાઈફ મેં હૈ તો સબ કુછ હૈ... મારી ઉપરના આક્ષેપની હું પરવા કરતો નથી. મારા માટે ક્રિકેટ સર્વસ્વ છે અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું તે મારું લક્ષ્યાંક છે.