મોહાલી ટેસ્ટઃ ભારતનો આઠ વિકેટે ભવ્ય વિજય

Wednesday 30th November 2016 06:01 EST
 
 

મોહાલીઃ ભારતે મોહાલી ટેસ્ટમાં મહેમાન ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને ભવ્ય વિજય સાથે ૨-૦થી સરસાઇ મેળવી છે. ભારતના આ વિજયમાં ગુજરાતી ખેલાડીઓનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે. લાંબા સમય પછી ટેસ્ટ મેદાનમાં પુનરાગમન કરનાર પાર્થિવ પટેલ હોય કે હાલ ફૂલ ફોર્મમાં રહેલા રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા હોય. સહુનો ઝમકદાર દેખાવ ટીમને વિજયના પંથે દોરી ગયો હતો.
ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરનાર પાર્થિવ પટેલે પણ આઠ વર્ષો બાદ ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે ૧૦૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને જ મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ સામે ૨૩ વર્ષો બાદ સતત બે જીત મેળવનાર વિરાટ કોહલી પાંચમો કેપ્ટન છે.
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૨૮૩ રન કર્યા હતા. જેમાં બેરિસ્ટોના ૮૯ અને બટલરના ૪૩ રન મુખ્ય હતા. આ સિવાયના મોટા ભાગના બેટ્સમેન ભારતીય બોલર્સ સામે છૂટ લઇ શક્યા નહોતા. ભારત તરફથી શમીએ ત્રણ અને રવીન્દ્ર જાડેજા તથા ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.
આ પછી મેદાનમાં ઉતરેલી ટીમ ઇંડિયાએ ધમાકેદાર બેટિંગ કરીને ૪૧૭ રન કર્યા હતા. આમાં વિરાટ કોહલીના ૬૨ રન ઉપરાંત પાર્થિવ પટેલના ૪૨, ચેતેશ્વર પૂજારાના ૫૧, જયંત યાદવના ૫૫ અને અશ્વિનના ૭૨ રન ઉપરાંત સૌથી મોટું ૯૦ રનનું યોગદાન ‘સર’ રવીન્દ્ર જાડેજાનું હતું. જાડેજાએ ૧૦ ફોર અને એક સિક્સર ફટકારી હતી. દર્શકો તેનું ઝમકદાર બેટિંગ નિહાળીને ખુશ થઇ ગયા હતા.
આ પછી ભારતીય બોલર્સે પ્રભાવશાળી પ્રદર્શન કરતા પ્રવાસી ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું હતું. ૧૩૪ રનના દેવા સામે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસને અંતે ૪ વિકેટે ૭૮ રન નોંધાવ્યા હતા. બાદમાં તેનો બીજો ૨૩૬ રનમાં જ સમેટાઇ ગયો હતો. આમ ભારતને મેચ જીતવા માટે ૧૦૩ રનનું આસાન લક્ષ્યાંક મળ્યું હતું. જે તેણે બે વિકેટના ભોગે હાંસલ કરી લીધું હતું.
ભારત તરફથી બીજા દાવનો પ્રારંભ મુરલી વિજય અને પાર્થિવ પટેલે શરૂ કર્યો હતો. જોકે, મુરલી વિજય ઝીરો રને આઉટ થઈ ગયો હતો. બાદમાં પાર્થિવ પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ૧૧ ફોર અને એક સિક્સ ફટકારતાં ૬૭ રન કર્યા હતા. જ્યારે વિરાટ કોહલી ૬ રન બનાવીને અણનમ રહ્યો હતો.

મેદાનમાં તલવાર લાવી શકતો નથીઃ જાડેજા

મોહાલી ટેસ્ટમાં ભારતને ‘ડ્રાઇવિંગ સીટ’ પર મૂકવામાં મહત્વનું યોગદાન આપનારા જાડેજાએ જણાવ્યું હતું કે ‘ઇંગ્લેન્ડના બોલરો ખૂબ જ નકારાત્મક અને કંટાળાજનક લાઇન સાથે બોલિંગ કરી રહ્યા હતા. જેના કારણે મેં તેની સામે આક્રમક બેટિંગની રણનીતિ અપનાવી હતી. જે શોટ ફટકારવામાં હું આઉટ થયો તે મારો મનગમતો શોટ છે. આ શોટથી મેં અનેક વાર સિક્સ ફટકારેલી છે. આ વખતે પણ શોટ ફટકારતી વખતે સિક્સ ફટકારી શકીશ તેવો વિશ્વાસ હતો. પરંતુ બોલ ધીમો આવ્યો હોવાથી હું જજમેન્ટમાં થાપ ખાઇ ગયો હતો. સદી ચૂકી જવાનો મને અફસોસ નથી. મને એ વાતનો સંતોષ છે કે લોઅર ઓર્ડરની મક્કમ બેટિંગથી ભારતે મજબૂત પકડ મેળવી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી હું નેટ્સમાં બેટિંગ પાછળ વધારે સમય ફાળવી રહ્યો હતો, જેનો પણ મને ફાયદો થયો છે.’
જાડેજાએ અડધી સદી ફટકાર્યા બાદ તલવાર ફેરવતો હોય તેમ બેટ ઘુમાવીને ઉજવણી કરી હતી. આ અંગે પૂછવામાં આવતા જાડેજાએ જણાવ્યું કે ‘આ રાજપૂતની પરંપરાગત શૈલી છે અને તેમાં ખાસ કંઇ નથી. હું ગ્રાઉન્ડમાં તલવાર લાવી શકતો નથી.

બીજી ટેસ્ટ મેચઃ રેકોર્ડબુક

• ભારતના સાતમા ક્રમ કે તેનાથી નીચા ક્રમના ત્રણ બેટ્સમેનોએ ૫૦ થી વધુનો સ્કોર કર્યો હોય તેવું પ્રથમ વાર બન્યું છે. ટેસ્ટ ક્રિકેટની આ ૧૪મી ઘટના છે. આમ, ભારતના લોઅર ઓર્ડરે એક રીતે ઈતિહાસ રચ્યો છે. 

• ભારતે ૨૦૦ કે તેથી વધુનો સ્કોર કર્યા બાદ ૬ વિકેટ ગુમાવી હોવા છતાં બમણો સ્કોર કર્યો હોય તેવું ચોથી વખત બન્યું છે. અગાઉ ૧૯૮૧-૮૨, ૧૯૮૪-૮૫માં ઇંગ્લેન્ડ અને ૧૯૯૮-૯૯માં ન્યૂ ઝીલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.
• ભારતે ઇંગ્લેન્ડ સામે સાતમી કે તે પછીની વિકેટ માટેની ૫૦થી વધુની ભાગીદારી નોંધાવી
હોય તેવું કુલ ૨૪ વખત અને છેલ્લા ૧૦ વર્ષમાં ૨૧ વખત બન્યું છે.
• બેન સ્ટોક્સ ભારતમાં પાંચ વિકેટ ખેરવનારો છેલ્લા ૩૦ વર્ષમાં ઇંગ્લેન્ડનો માત્ર બીજો ફાસ્ટ બોલર છે. છેલ્લે ૨૦૦૬માં મેથ્યુ હોગાર્ડે નાગપુર ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
• એલિસ્ટર કૂકે સાતમી વખત કૂકને પોતાનો શિકાર બનાવ્યો છે. જેમાંથી ત્રણ વાર વર્તમાન સિરીઝમાં જ કૂક અશ્વિનનો શિકાર બન્યો છે.
• એલિસ્ટર કૂકે ટેસ્ટ ક્રિકેટમાં ૨૪૯મી ટેસ્ટ ઇનિંગ્સમાં ૧૦૯૩૪ રન કર્યા છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેનની યાદીમાં સ્ટિવ વોને પાછળ મૂકી કૂક ૧૦મા સ્થાને આવી ગયો છે.
• ભારતની સ્પિન ત્રિપુટીએ ૪૨૪ બોલમાં ૨૧૭ રનનું યોગદાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter