ન્યૂ યોર્કઃ ઇટાલીની ફ્લેવિટા પેનેટ્ટાએ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે. કારકિર્દીનો પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે જ તેણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પેનેટ્ટાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાના જ દેશની મિત્ર રોબર્ટા વિન્સીને ૭-૬ (૭-૪), ૬-૨થી હરાવીને નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે.
વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં બન્ને ખેલાડી ઇટાલીની હોવાથી ટેનિસ જગતને ઇટાલિયન ચેમ્પિયન મળશે એ તો નક્કી હતું, પરંતુ કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે ચેમ્પિયન ખેલાડી ફરીથી ક્યારેય રમતી જોવા મળશે નહીં. પેનેટ્ટાએ ૩૩ વર્ષની વયે ટાઇટલ જીત્યું છે. આ સાથે જ તે ઓપન એરા (૧૯૬૮) બાદ એવી ખેલાડી બની ગઇ છે જેને પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે આટલા લાંબા ગાળાની રાહ જોવી પડી હોય.