ન્યૂ યોર્કઃ ભારતના ટેનિસ સ્ટાર લિયાન્ડર પેસે તેની સ્વિસ પાર્ટનર માર્ટિના હિંગીસ સાથે યુએસ ઓપન મિક્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ વિજય સાથે જ હવે પેસ યુએસ ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ સૌથી વધુ વખત જીતનારો ખેલાડી બન્યો છે.
ચોથી ક્રમાંકિત ભારતીય સ્વિસ જોડીએ ફાઈનલ રાઉન્ડમાં અમેરિકાના બેથાની મેટેક સેન્ડસ અને સેમ ક્વેરીને ૬-૪, ૩-૬, અને ૧૦-૭થી પરાજય આપ્યો હતો. પેસ-હિંગીસની જોડીએ આ સત્રનું ત્રીજું મોટું ટાઇટલ જીત્યું હતું.
૪૨ વર્ષીય પેસ અત્યાર સુધીમાં નવ ગ્રાન્ડસ્લેમ મિક્સ ડબલ્સ જીતી ચૂક્યો છે. શનિવારે ટાઇટલ જીતવા સાથે પેસે પોતાના પૂર્વ પાર્ટનર મહેશ ભૂપતિને પાછળ છોડી દીધો છે, જેનો રેકોર્ડ આઠ ટાઇટલ જીતવાનો છે. પેસની આગળ હવે માત્ર માર્ટિના નવરાતિલોવા છે જેણે ૧૦ વખત મિક્સ ડબલ્સ ટ્રોફીઓ જીતી છે. આ ૧૦માંથી બે ટ્રોફી તો તેણે પેસ સાથે જ જીતી હતી. આ બન્ને જોડી ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડન જીતી હતી.
પેસનું આ બીજું યુએસ ઓપન મિક્સ ડબલ્સ ટાઇટલ છે. તેણે આ પહેલા ૨૦૦૮માં ઝિમ્બાબ્વેની કારા બ્લેક સાથે યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. ફાઈનલમાં પેસ-હિંગીસે પહેલો સેટ ૬-૪થી જ્યારે બીજો સેટ બેથાની અને ક્વેરીએ ૬-૩થી પોતાના નામે કર્યો હતો.
પેસ-હિંગીસની સિદ્ધિઓ
૪૨ વર્ષના પેસે કેરિયરનો આ ૧૭મો ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. પેસે આઠ મેન્સ ડબલ્સ અને નવ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે જ્યારે ઓવરઓલ તેણે ૫૫મું ટાઇટલ પોતાના નામે કર્યું છે. સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસે અત્યાર સુધીમાં ૫ સિંગલ્સ, ૧૦ વિમેન્સ ડબલ્સ અને ૪ મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા છે.