સાન એન્ટોનિયો (યુએસ)ઃ પ્રતિબંધના કારણે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઇ શકેલા સ્વિમિંગ સ્ટાર માઇકલ ફેલપ્સે યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઓલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૨ મેડલ જીતી ચૂકેલા ફેલપ્સે નેશનલ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ૫૦.૪૫ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ વિજય સાથે ફેલપ્સે તેના નજીકના હરીફ સાઉથ આફ્રિકાના ચાડ લે ક્લોસને પણ વળતો જવાબ આપ્યો હતો. ક્લોસે રશિયાના કઝાનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ૫૦.૫૬ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ક્લોસે વિજય મેળવ્યા બાદ ફેલપ્સ સંદર્ભે કમેન્ટ કરી હતી.
ફેલપ્સની ગયા વર્ષે દારૂ પીને કાર ચલાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કારણથી તે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શક્યો નહોતો અને તેને કઝાનના બદલે સાન એન્ટોનિયોના સ્વિમિંગ પુલમાં ઉતરવું પડ્યું હતું. ફેલપ્સે જણાવ્યું હતું કે ક્લોસના કમેન્ટથી મને પ્રેરણા મળી હતી.