મોરિસવિલેઃ સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ નવેસરથી સર્જવા નોર્થ અમેરિકામાં એક બિલિયન ડોલરનો જુગાર ખેલાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના જેસન રોય, ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને અફઘાનિસ્તાનના રશિદ ખાન સહિતના સ્ટાર ક્રિકેટર્સને મેજર લીગ ક્રિકેટ (MLC)ની ઉદ્ઘાટનીય સીઝન માટે માતબર રકમો આપી નોર્થ કેરોલીનાના મોરિસવિલે ટાઉનમાં બોલાવાયા હતા. માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સત્યા નાડેલા સહિત મુખ્યત્વે સાઉથ એશિયન મૂળના ઈન્વેસ્ટર્સના જૂથના બ્રેઈનચાઈલ્ડ MLC દ્વારા વિશ્વભરમાં પ્રખ્યાત અને લોકપ્રિય15 બિલિયન ડોલરની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તરાહ પર યુએસના શહેરો અને રાજ્યોના નામ સાથેની છ ટીમની ટુર્નામેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે.
મોરિસવિલે ટાઉનમાં તો જુગાર સફળ નીવડ્યો છે જ્યાં MLCની ગ્રૂપ સ્ટેજ મેચીસ માટે ખાસ તૈયાર કરાયેલા ચર્ચ સ્ટ્રીટ પાર્ક ગ્રાઉન્ડમાં મેચ નિહાળવા હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓએ ધસારો કર્યો હતો. સાઉથ આફ્રિકન ક્રિકેટર હેનરિક ક્લાસેને 41 બોલમાં સ્પર્ધાની સૌપ્રથમ સદી ફટકારી દર્શકોને ખુશ કરી દીધા હતા. ડલાસમાં MLCની પ્રથમ મેચમાં ખાલી સ્ટેન્ડ્સ હતા પરંતુ, ટેક્સાસના ક્રિકેટર અલી ખાને ન્યૂ ઝીલેન્ડના મિચેલ સ્ટેનરની વિકેટ લીધા પછી 7000થી વધુ ચાહકોએ સ્ટેડિયમને ભરી દીધું હતું.
અમેરિકામાં છેક 1750ના દશકામાં ક્રિકેટના મૂળ
અમેરિકામાં ક્રિકેટના મૂળ છેક 1750ના દશકામાં હોવાનું જણાય છે જે દેશની ત્રણ મુખ્ય રમતો-બેઝબોલસ બાસ્કેટબોલ અને અમેરિકન ફૂટબોલથી પણ ઘણી પુરાણી કહેવાય. ઈતિહાસમાં સૌપ્રથમ ઈન્ટરનેશનલ મેચ હાલ મેનહટ્ટનનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઉભું છે ત્યાંથી ત્રણ બ્લોક દૂર યુએસ અને કેનેડા વચ્ચે 1844માં રમાઈ હતી. છેક 1860ના દાયકા સુધી મુખ્ય ન્યૂઝ પેપર્સના પહેલા પાના પર ક્રિકેટના સ્કોર્સ છપાતા હતા. જોકે, સિવિલ વોર પછી આ રમત ભૂલાતી ગઈ, યુદ્ધમાં પણ ઘણા અમેરિકી ખેલાડીઓ મોતને ભેટ્યા હતા. 1881ના ધ અમેરિકન ક્રિકેટ એન્યુઅલનું સંપાદન કરનારા જેરોમ ફ્લેનરી કહે છે તેમ,‘મોટી ક્રિકેટ મેચને પુરી થવામાં લાગતો સમય ગેરલાભ જેવો હતો કારણકે ઈંગ્લેન્ડની સરખામણીએ અમેરિકામાં લેઈઝર ક્લાસ નહિવત્ હતો. જોકે, ઉત્સાહી ક્રિકેટપ્રેમીઓએ આશા છોડી ન હતી. 20મી સદીમાં પણ સેંકડો ક્લબ્સમાં ક્રિકેટ રમાતી રહી હતી. યુએસના આઠ શહેરની ટીમ્સને સાંકળતી 2004ની પ્રો ક્રિકેટ સ્પર્ધા માત્ર એક જ સીઝન ચાલી હતી.
T20 ફોર્મેટના આગમન સાથે સર્જાયેલી ક્રાંતિ
ક્રિકેટની રમતને પાંચ દિવસના બદલે માત્ર ત્રણથી ચાર કલાકમાં જ પૂર્ણ કરાવતી લઘુ સ્વરૂપી T20 ફોર્મેટની રમતે ઝડપથી લોકપ્રિયતા હાંસલ કરી છે. ખેલાડીઓને છ સપ્તાહ માટે દેશના સૌથી મોટા શહેરોમાં પ્રવાસ ખેડવા સાથે 1.5 મિલિયન ડોલર જેટલી માતબર રકમ મળતી હોય ત્યારે લોકોનું સંપૂર્ણ મનોરંજન થવાની ખાતરી પણ મળે છે. MLCના સમર્થકો કહે છે કે ક્રિકેટ હવે યુએસમાં લોકપ્રિયતા હાંસલ કરે તે હવે માત્ર સમયનો સવાલ છે. અમેરિકાની મોટા ભાગની વસ્તીને ક્રિકેટનું ઘેલું લગાડવા આગામી ત્રણ વર્ષમાં છ MLC ગ્રાઉન્ડ્સ તૈયાર કરવાની ખર્ચાળ યોજના પણ ઘડાઈ છે. બિઝનેસ પાર્ટનર અનુરાગ જૈન સાથે MLCમાં રોકાણ કરનારા રિયલ એસ્ટેટ મુઘલ રોસ પેરોટ, જુનિયરનું કહેવું છે કે અન્ય કોઈ વર્ગ કરતાં ભારતીય અને સાઉથ એશિયન પરિવારોને વધુ પ્રમાણમાં ઘર વેચાઈ રહ્યા છે. પ્રેશર ગ્રૂપ સાલ્ટ (Saalt)ના અંદાજ મુજબ યુએસમાં 2010ના સેન્સસના 3.5 મિલિયન સાઉથ એશિયનોની સરખામણીએ 2017માં સંખ્યા વધીને અંદાજે 5.4 મિલિયનની થઈ હતી.
ક્રિકેટનું નવું કાશી બની રહેલા મોરિસવિલે એરિયામાં 60 ટીમ્સ છે અને 3,000થી વધુ સક્રિય ખેલાડી છે. MLCના સમર્થકોની મહેચ્છા ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રી લંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, યુએઈ, કેનેડા અને નેપાળમાં રમાતી T20 ટુર્નામેન્ટ્સના ભરચક કાર્યક્રમમાં સ્થાન હાંસલ કરવાની છે.