પેરિસ, કમ્પાલાઃ યુગાન્ડાના દોડવીર અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગેઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 10,000 મીટરની દોડમાં નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ચેપ્ટેગેઈએ 26 મિનિટ અને 43.14 સેકન્ડ્સમાં ફિનિશ લાઈન પાર કરી હતી.
સ્ટેડ દ ફ્રાન્સમાં યોજાએલી સ્પર્ધામાં ઈથિયોપિયાના દોડવીર બેરિહુ આરેગાવીએ 26 મિનિટ અને 43.44 સેકન્ડ્સ સાથે બીજો ક્રમ અને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો જ્યારે યુએસએનો દોડવીર ગ્રાન્ટ ફિશર ત્રીજા ક્રમે બ્રોન્ઝ મેડલ મેળવી શક્યો હતો. ચેપ્ટેગેઈએ છેલ્લા 600 મીટરની દોડમાં જાણે જાનની બાજી લગાવી હતી અને તેનો ફિનિશિંગ ટાઈમ કેનેનિશા બેકેલેના 2008ના ઓલિમ્પિક રેકોર્ડથી 18 સેકન્ડ ઓછો રહ્યો હતો. યુગાન્ડાના દોડવીર જોશુઆ ચેપ્ટેગેઈએ 2008ની ટોકિયો ઓલિમ્પિક્સમાં 10,000 મીટર દોડમાં સિલ્વર અને 5,000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.