બર્લિન: સ્પેને યુરો કપ ફૂટબોલની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને વિક્રમજનક ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં નિકા વિલિયમ્સે 47મી મિનિટે પ્રથમ ગોલ કરીને સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ કોલે પાલ્મરે 73મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ સમયે મેચ એકસ્ટ્રા ટાઈમમાં જશે તેમ લાગતું હતું, પરંતુ મિકેલ ઓયારઝાબાલે 86મી મિનિટે ગોલ કરીને સ્પેનનો 2-1થી વિજય નિશ્ચિત કર્યો હતો.
સ્પેન આ અગાઉ 1994, 2008 તથા 2012માં યુરો કપ જીતી ચૂક્યું છે. બર્લિનના ઓલિમ્પિયા સ્ટેડિયમ (1936માં ઓલિમ્પિક માટે બનાવવામાં આવેલું સ્ટેડિયમ) ખાતે રમાયેલી ફાઇનલની અંતિમ મિનિટોમાં માર્ક કુકુરેલાએ આપેલા ક્રોસ પાસ ઉપર મિકેલે બોલને ઇંગ્લેન્ડના ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો.
સમગ્ર ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ફાઇનલમાં પણ એક સમયે તેનો વિજય નિશ્ચિત જણાતો હતો પરંતુ પરાજય બાદ ઇંગ્લેન્ડ વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી નેશનલ ટીમોમાં સામેલ થઈ ગયું છે. આ સાથે જ ઇંગ્લેન્ડ માટે 58 વર્ષથી ટાઇટલનો દુકાળ યથાવત્ રહ્યો છે. વિક્રમજનક વિજય બાદ 32 વર્ષીય સ્પેનિશ ફૂટબોલર દાની કાર્વાજલ ભાવુક બનીને મેદાનમાં પડી ગયો હતો. તેના સાથી ખેલાડીઓએ પણ શાનદાર ઉજવણી કરી હતી. અન્ય ફૂટબોલર યામેલ, કુકુરેલા અને દાની ઓલ્મો સ્પેનના સમર્થકો વચ્ચે જઈને ઉજવણી કરી હતી.
પ્રિન્સ વિલિયમ હતાશ
ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે છ વર્ષના લાંબા અરસા બાદ મુકાબલો રમાયો હતો. બંને ટીમ આ પહેલાં 2018માં નેશન્સ લીગનો ડબલ હેડર મુકાબલો રમી હતી. સ્પેને 2018માં વેમ્બલી ખાતે 2-1થી અને ઈંગ્લેન્ડે સેવિલા ખાતે રમાયેલી મેચમાં સ્પેનને 3-2થી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું હોવાના કારણે બિટનના શાહી પરિવારના પ્રિન્સ વિલિયમ પણ મેચ નિહાળવા પહોંચ્યા હતા પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. સ્પેનના કિંગ ફેલિપ પણ ફાઇનલ નિહાળવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. રેફરીએ ફાઈનલ મુકાબલાની અંતિમ વ્હિસલ વગાડી કે તરત જ પ્રિન્સ વિલિયમ્સે હથેળી દ્વારા પોતાનો ભાવુક ચહેરો છુપાવી દીધો હતો.
ટાઇટલનો 58 વર્ષનો દુકાળ યથાવત્
ઇંગ્લેન્ડની મેન્સ ફૂટબોલ ટીમ યુરો કપમાં સતત બીજી સિઝનનો ફાઇનલ જંગ હારી છે. 1966માં વર્લ્ડ કપ જીત્યા બાદ છેલ્લા 58 વર્ષમાં ઇંગ્લેન્ડ હજુ સુધી કોઈ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ કે ટાઇટલ જીતી શક્યું નથી. યુરો કપ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડે નોકઆઉટ તબક્કામાં પોતાની ત્રણ મેચમાં એક સમયે ગોલથી પાછળ રહ્યા બાદ મેચો જીતી હતી.
યામેલ યંગેસ્ટ પ્લેયર
સ્પેનનો લામિલ યામેલ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ કોઈ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં રમાનાર યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. તેણે બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. યામેલે ફાઇનલ રમી ત્યારે તેની વય 17 વર્ષની હતી. પેલેએ 1958માં ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી ત્યારે તેમની વય 17 વર્ષ 249 દિવસની હતી. યામેલે યુરો કપના ઇતિહાસમાં સૌથી નાની વયે ગોલ કરનાર યંગેસ્ટ પ્લેયર તરીકેની પણ સિદ્ધિ મેળવી હતી.
હેરી કેન સહિત છ પ્લેયર્સને ગોલ્ડન બૂટ
યુરો કપ ફૂટબોલ 2024માં આ વખત સધિક સમાન ગોલ કરનાર તમામ ખેલાડીઓને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવાનો યુએફાએ નિર્ણય કર્યા હતો. અગાઉ માત્ર એક ખેલાડીને અપાતો હતો. છેલ્લી વખત પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ચેક રિપબ્લિકના પેટ્રિક શિકેએ પાંચ-પાંચ ગોલ કર્યા હતા પરંતુ એક ગોલમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાથી રોનાલ્ડોને એવોર્ડ અપાયો હતો.
જોકે આ વખતના યુરો કપમાં ઇંગ્લેન્ડના હેરી કેન સહિત છ ખેલાડીઓએ એક સરખા ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. જેના કારણે તમામને ગોલ્ડન બૂટ એવોર્ડ અપાયા છે. ડેલી કેન ઉપરાંત સ્પેનના દાની ઓલ્મો, જર્મનીના જમાલ મુસિયાલા, નેધરલેન્ડ્સના કોડી ગાપો, સ્લોવેકિયાના ઇવાન શરાંઝ તથા જયોર્જિયાના જ્યોર્જેસ એમને ગોલ્ડન એવોર્ડ અપાયા હતો.