નવી દિલ્હી: ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં મને જ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાનો હતો. જોકે તે સમયે કોચ ગ્રેગ ચેપલ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર વચ્ચે સીધો ટકરાવ ચાલી રહ્યો હતો. તે સમયે મેં સચિન તેંડુલકરની તરફેણ કરી હતી. જેનાથી ચેપલની સાથે બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ)ના કેટલાક ઓફિશિઅલ્સ પણ નારાજ થયા હતા. આખરે તેમણે મને સાઇડલાઇન કરીને ધોનીને કેપ્ટન બનાવવો.
ભારતીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચેપલનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો હતો. જે અંગે યુવરાજે વધુ પ્રકાશ ફેંક્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર સાથેની એક મુલાકાતમાં યુવરાજે તે વિવાદિત કાર્યકાળ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા. યુવરાજે કહ્યું કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં તેઓ મને જ કેપ્ટન બનાવવા માગતા હતા. ત્યારે જ ગ્રેગ ચેપલનો વિવાદ સર્જાયો. તે વેળા એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે, ખેલાડીઓએ ચેપલ કે સચિનમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા. તે સમયે ટીમમાં હું સંભવતઃ એકમાત્ર ખેલાડી હતો કે, જેણે સચિન તેંડુલકરને સાથ આપ્યો હતો. મારા આ નિર્ણયથી ઘણા લોકો ખુશ નહોતા. મેં તેંડુલકરનો સાથ આપ્યો ત્યાર બાદ બધાનું વલણ એવું જ હતુ કે, ગમે તેને કેપ્ટન બનાવો પણ યુવરાજને નહીં.