અમદાવાદઃ અમદાવાદની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ બહામાસમાં ચાલી રહેલા યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ગર્લ્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે. બહામાસમાં ચાલી રહેલી યૂથ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પણ આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ હતો.
ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં ઝીલ દેસાઈએ સાયપ્રસની એલિઝા ઓમીરોયુને સીધા સેટોમાં ૬-૩, ૭-૬થી હરાવીને સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. ઝીલે સેમિ-ફાઇનલમાં ઈંગ્લેન્ડની ઈન્ડિયેન્ના સ્પીન્કને ૬-૦, ૬-૨થી હરાવી હતી. ઝીલે તાજેતરમાં વિમ્બલ્ડનમાં જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેણે ફ્રેન્ચ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.