પેરિસઃ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાન યોકોવિચે પ્રાઇસ મની જીતવાનો વિક્રમ સર્જ્યો છે. ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવાની સાથે જ તેણે પ્રાઇસ મની તરીકે કરેલી કમાણીનો આંકડો ૧૦ કરોડ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. માત્ર પ્રાઇઝ મની તરીકે આટલી મોટી રકમ જીતનારો તે ટેનિસ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ શરૂ થઈ ત્યારે ટોપ સીડ અને વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચ તેની કારકિર્દીમાં ૯,૯૬,૭૩,૪૦૪ ડોલર ઈનામી રકમ તરીકે જીતી ચૂક્યો હતો. રેડ ક્લે ટેનિસ કોર્ટ પર ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં તેણે સ્પેનના એગ્યુટને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે યોકોવિચને ફ્રેન્ચ ઓપનમાંથી ઓછામાં ઓછી (ધારો કે હવે તે ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ જાય તો પણ) ૨.૯૪ લાખ યુરો એટલે કે ૩,૨૮,૩૦૩ ડોલરની ઈનામી રકમ મળશે તે નક્કી થઈ ગયું છે. યોકોવિચની કારકિર્દીની અત્યાર સુધીની કમાણીમાં જો ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઈનલ સુધીની ઈનામી રકમ ઉમેરવામાં આવે તો આંકડો ૧૦,૩૦,૦૧,૭૦૭ ડોલર થવા જાય છે.
આ સાથે યોકોવિચ ટેનિસમાં ઈનામી રકમ તરીકે ૧૦ કરોડ ડોલર કમાનારો સૌપ્રથમ ખેલાડી બન્યો છે. ટેનિસમાં ઈનામી રકમ તરીકેની કમાણીમાં તેને ટક્કર મારે તેવો તેનો સ્વીસ હરીફ રોજર ફેડરર ફિટનેસની સમસ્યાને કારણે આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો નથી. ફેડરર તેની કારકિર્દીમાં ૯,૮૦,૧૧,૭૨૭ ડોલર ઈનામી રકમ તરીકે જીતી ચુક્યો છે.