લંડનઃ યોર્કશાયર કાઉન્ટીના ચેરમેન લોર્ડ કમલેશ પટેલને અઝીમ રફીક કૌભાંડના પગલે અસાધારણ ‘રેસિસ્ટ’ પત્રો મળ્યા છે. લોર્ડ પટેલે જણાવ્યું હતું કે ક્લબને ઘેરી વળેલા કૌભાંડના કારણે તેમણે ભારે સંખ્યામાં રંગભેદી પત્રો મળ્યા છે અને ક્લબના સ્ટાફને ખરાબ શારીરિક વર્તણૂક સહન કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે આ ક્લબમાં રેસિઝમ આચરાયું હતું તેમ નહિ સ્વીકારતા લોકોની થોડી પણ વાચાળ સંખ્યા છે.
અઝીમ રફીકે તેની સાથે રંગભેદી વર્તન કરાતું હોવાની ફરિયાદો પર ધ્યાન ન અપાયા પછી લોર્ડ કમલેશ પટેલને યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબનું સુકાન સોંપાયું હતું. લોર્ડ પટેલે કહ્યું હતું કે તેમને રંગભેદી પત્રો મળ્યા છે જે પોલીસ સમક્ષ લઈ જવાય તો લોકો સામે કેસ ચાલી શકે. સમાજમાં રેસિઝમ છે અને આ ક્લબમાં પણ થયું હતું પરંતુ, કેટલાક લોકો તેને સ્વીકારતા નથી.
બીજી તરફ, કટોકટીગ્રસ્ત કાઉન્ટીના ચેરમેનનું કહેવું છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટડ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મેચીસ યોજવા પર પ્રતિબંધ ઉઠાવી લેવાયો ન હોત તો દેવામાં ડૂબેલી આ ક્લબને દેવાળું કાઢવું પડત. કૌભાંડના કારણે યોર્કશાયર ક્લબ દ્વારા વિવાદાસ્પદ સુધારા અમલી ન બનાવાય ત્યાં સુધી ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ યોજવા પર પ્રતિબંધ લદાયો હતો અને ક્લબે માર્ચ મહિનાના અંતે આ સુધારા અમલી બનાવ્યા હતા.