રાજકોટઃ ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીની ઘરવાપસી થઇ છે. સૌરાષ્ટ્રની ટીમે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વમાં બંગાળ સામેની ડ્રો થયેલી ફાઈનલમાં પ્રથમ ઈનિંગની સરસાઈના નિયમને આધારે વિજય મેળવ્યો છે. આ સાથે જ સૌરાષ્ટ્રે પહેલી વખત ભારતની પ્રીમિયર ફર્સ્ટ ક્લાસ ચેમ્પિયનશિપ - રણજી ટ્રોફી કબ્જે કરી છે.
સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમાન નવાનગરના રાજવી અને ભારતીય ક્રિકેટના પિતામહ કહી શકાય તેવા જામ રણજીતસિંહના નામ સાથે જોડાયેલી ટ્રોફીની જાણે વતન-વાપસી થઈ હોવાનો અહેસાસ સૌરાષ્ટ્ર સહિત ક્રિકેટચાહકોએ અનુભવ્યો છે. સૌરાષ્ટ્રના ૪૨૫ સામે બંગાળનો દાવ ૩૮૧ રનમાં સમેટાઇ જતાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગની સરસાઈને સહારે ઐતિહાસિક ટાઈટલ મેળવ્યું હતું.
બંગાળે ૧૩ માર્ચે ગુમાવેલી આખરી ચારમાંથી બે વિકેટ કેપ્ટન જયદેવ ઉનડકટે ઝડપી હતી. જયદેવે જ ડેન્જર સાબિત થઈ શકે તેવા આકાશ દીપને નાટકીય રીતે રનઆઉટ કરાવતા બાજી પલ્ટી હતી. ગત વર્ષે રનર્સ અપ બનેલી સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફીની ચોથી ફાઈનલ ફળી હતી. જ્યારે બંગાળની ટીમને ૧૨મી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલમાં ટોસ જીતીને બેટિંગ કરતાં સૌરાષ્ટ્રે અર્પિત વસાવડાના ૧૦૬, ચેતેશ્વર પૂજારાના ૬૬, તેમજ અવિ બારોટ - વિશ્વરાજ જાડેજાના ૫૪-૫૪ની મદદથી ૧૭૧.૫ ઓવરમાં ૪૨૫ રન કર્યા હતા. આકાશદીપે ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં બંગાળે ચેટર્જીના ૮૧, સહાના ૬૪ અને મજુમદારના ૬૩ની મદદથી ૧૬૧ ઓવરમાં ૩૮૧ રન નોંધાવ્યા હતા.
સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ અને જયદેવ ઉનડકટ - પ્રેરક માંકડે ૨-૨ વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રે બીજી ઈનિંગ ૩૪ ઓવરમાં ચાર વિકેટે ૧૦૫ રન કર્યા હતા અને મેચ ડ્રો થઈ હતી.