રાજકોટઃ ક્રિકેટચાહકોથી માંડીને સાથી ક્રિકેટરોમાં ‘સર’ના હુલામણા નામે જાણીતો રવીન્દ્ર જાડેજા રાજકોટના સોલંકી પરિવારની દીકરી રિવાબા સાથે વિવાહબંધને બંધાયો છે. ખુદની માલિકીની જ જ્ડ્ડુસ રેસ્ટોરાંમાં શુક્રવારે સવારે યોજાયેલી સગાઇ વિધિમાં જાડેજા અને સોલંકી પરિવારના ૧૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ બાદ જાડેજાએ જણાવ્યું હતું કે ‘મને ગોડ ગિફ્ટ મળી છે.’ તો રિવાબાએ કહ્યું હતું કે, ‘મને ક્રિકેટમાં રસ ન હોવાથી અત્યાર સુધી તો હું ક્રિકેટ મેચ જોતી નહોતી, પરંતુ હવે રવીન્દ્ર સાથે સગાઈ થઈ છે ત્યારે હું મેચ જોવાનું શરૂ કરીશ.’
‘અને મેં હા પાડી દીધી’
વિવાહબંધને બંધાયા બાદ રવીન્દ્ર અને રિવાબાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જાડેજાએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખાસ છે. હું જિંદગીની નવી ઈનિંગ શરૂ કરીશ. હું પહેલેથી અમારી જ જ્ઞાતિની કોઈ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. ભગવાનની કૃપાથી મને મારી જ્ઞાતિની જ છોકરી મળી છે, હું ખૂબ જ ખુશ છું. મારી બહેને મને રિવાનો ફોટો બતાવ્યો હતો ત્યારે મેં તરત જ તેને સિલેક્ટ કરી લીધી હતી. રિવા મારા માટે ખૂબ જ અગત્યની વ્યક્તિ છે.’
લગ્નની તારીખ અંગે જાડેજાએ કહ્યું હતું કે, ‘હાલમાં લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ શક્ય છે ક્રિકેટના મારા વ્યસ્ત શિડ્યુલને કારણે લગ્નમાં વાર લાગે.’
યુવતી રિવાબાએ સગાઇ પ્રસંગે લોંગ ડ્રેસ પહેર્યો હતો, તેમ જ અલગ પ્રકારની જ હેરસ્ટાઇલ કરી હતી. માથામાં ગુલાબનું ફૂલ લગાવેલું હતું.
સોલંકી પરિવારનું વતન કેશોદ
રવીન્દ્ર જાડેજાનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં થયો છે. જ્યારે સોલંકી પરિવાર રાજકોટમાં સ્થાયી થયો છે. રાજકોટમાં રહેતા હરદેવસિંહ અને પ્રફૂલાબા સોલંકી પરિવારનું મૂળ વતન કેશોદ તાલુકાનું બાલા ગામ છે. તેઓ બે દસકા કરતાં પણ વધુ વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે અને જંક્શન નજીક રેલવે કોલોની કોઠી કમ્પાઉન્ડમાં નિવાસ કરે છે.
રિવાના પિતા બિઝનેસમેન છે જ્યારે માતા રેલવે તંત્રમાં એકાઉન્ટ્સ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. રિવાએ રાજકોટમાં આત્મીય એન્જિનિયરિંગ કોલેજમાંથી વર્ષ ૨૦૦૮માં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. હાલ તે ત્રણ વર્ષથી દિલ્હીમાં રહીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરે છે.
રેસ્ટોરાંમાં કાઠિયાવાડી થીમ
જડ્ડુસ રેસ્ટોરાંને કાઠિયાવાડી થીમ સાથે રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. રેસ્ટોરાંમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેના પર હાજર રવીન્દ્ર જાડેજા અને રીવાબાએ એકબીજાને એન્ગેજમેન્ટ રીંગ પહેરાવી હતી.
સગાઈ વિધિમાં બંને પરિવારના સભ્યો તેમ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ પણ જાડેજાની સગાઇમાં જડ્ડુસ રેસ્ટોરાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રવિન્દ્ર જિંદગીની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે મારા તરફથી તેમને હાર્દિક શુભકામનાઓ આપું છું.