કોલકતા: આંદ્રે રસેલ જે પ્રકારની રમત માટે જાણીતો છે તેવી જ ઇનિંગ હૈદરાબાદ સામેની મેચમાં ક્રિકેટ ફેન્સને જોવા મળી હતી. રસેલે હૈદરાબાદના બોલર્સના છોતરાં કાઢી નાખલા પોતાની ઈનિંગમાં સાત સિક્સર ફટકારી હતી અને 25 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. રસેલે આ સાત સિક્સરની મદદથી આઇપીએલમાં પોતાના 200 છગ્ગા પણ પૂરા કર્યા હતા અને તે આ લીગમાં સૌથી ઓછા બોલમાં આટલી સિક્સર ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા સ્થાને છે. અને તેણે સાથે જ ક્રિસ ગેઇલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ મેચમાં કેકેઆરને હૈદરાબાદ સામે ચાર રને જીત મળી હતી અને મેચમાં રસેલે બે વિકેટ પણ લીધી હતી.
રસેલે આઈપીએલમાં 200 સિક્સર પૂરી કરી હતી અને તેણે આ સિક્સર 1322 બોલમાં ફટકારી છે. આ પહેલા લીગમાં સૌથી ઓછા બોલમાં 200 સિક્સર ફટકારનાર બેટ્સમેન ક્રિસ ગેઇલ હતો. જેણે 1811 બોલમાં 200 સિક્સર મારી હતી હવે તે આ લિસ્ટમાં બીજા સ્થાને આવી ગયો છે. આ યાદીમાં વિન્ડીઝનો જ કિરોન પોલાર્ડ ત્રીજા નંબરે છે જેણે 2055 બોલમાં 200 સિક્સર પૂરી કરી હતી. આઈપીએલમાં સૌથી ઓછા બોલમાં 200 સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની પહેલા સ્થાને છે. ધોનીએ 3126 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.