નવી દિલ્હીઃ બ્રાઝિલના રિયો ડી’ જાનેરિયોમાં પાંચમી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા ૩૧મા ઓલિમ્પિક ગેમ્સમાં ૧૪ જુદી જુદી રમતોમાં ભારતના ૧૨૨ ખેલાડીઓ ભાગ લેશે. કેન્દ્રીય રમતગમત પ્રધાન વિજય ગોયલે આ માહિતી આપતા કહ્યું હતું કે હું જાણું છું કે, બધા એમ જ પૂછશે કે, ઓલિમ્પિકમાં આપણા દેશનું સૌથી મોટું જૂથ ઉતરવાનું છે અને આપણે આ વખતે કેટલા મેડલ જીતી શકીશું. પરંતુ આપણામાંથી કોઇ કહી ન શકે કે આપણે કેટલા મેડલ જીતીશું. જોકે એમ જરૂર કહી શકાય કે, આપણી ટીમના સભ્યો તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
સામાન્ય રીતે સરકાર સાથે ટકરાવની મુદ્રામાં રહેનાર ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)નું વલણ હવે ઘણું નરમ પડી ગયું છે. આઇઓએના અધ્યક્ષ રામચંદ્રન્ અને મહાસચિવ મહેતાએ રમતગમત પ્રધાનને ઓલિમ્પિક રમતોની ભારતીય કિટ ભેટમાં આપી હતી. રામચંદ્રને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આવું પહેલીવાર બની રહ્યું છે કે, જ્યારે આઇઓએ અને રમતગમત મંત્રાલય મળીને કામ કરી રહ્યા છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે, આપણી ટીમ ઈન્ડિયા ખરેખર મેદાનમાં ઉતરી રહી છે.
રમતગમત ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે, જે ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું છે તેમાંથી મોટા ભાગનાને અમે સરકારની ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાંથી લીધા છે. અમે દરેક ખેલાડીને તેની પસંદગીના હિસાબે તાલીમ અને સુવિધાઓ આપી છે અને તેમને ભારતીયથી લઈને વિદેશી કોચ ઉપલબ્ધ કરાવ્યા છે.