નવી દિલ્હીઃ પાંચમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રિયો ઓલિમ્પિક રમતોત્સવ પહેલાં જ ભારતને જોરદાર મોટો ઝટકો લાગ્યો છે. ૭૪ કિલોગ્રામ વજન વર્ગના રેસલર નરસિંહ યાદવ ડોપિંગ ટેસ્ટમાં ફેલ થતાં આગામી ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકશે નહીં. નેશનલ એન્ટિડોપિંગ એજન્સી (‘નાડા’)ના ડાયરેકટર જનરલ નવીન અગ્રવાલે આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, નરસિંહ યાદવનાં ‘બી’ નમૂનામાં પણ પ્રતિબંધિત સ્ટેરોઇડનું પ્રમાણ જોવા મળ્યું છે. હવે આ મામલો ‘નાડા’ની અનુશાસન પેનલની સામે રખાશે. આ મામલે રમતગમત મંત્રાલયે પણ એક રેસલર ડોપ ટેસ્ટમાં ફેલ થયો હોવાનું જણાવ્યું છે. જોકે તેણે નરસિંહ યાદવનું નામ લીધું નથી.
તમામ ભારતીય રેસલર્સનો ગત પાંચમી જુલાઈએ સોનેપતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયા (સાઈ)ના સેન્ટરમાં ડોપ ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ ગત અઠવાડિયે આવ્યો છે. જેમાં નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો. આ પછી તાત્કાલિક ‘બી’ નમૂનો લેવાયો હતો, તેમાં પણ નરસિંહ નિષ્ફળ ગયો હતો.
શું આ ષડયંત્ર છે?
નરસિંહ અને ભારતીય કુસ્તી ફેડરેશન મુજબ સમગ્ર ઘટનાક્રમ એક ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. નરસિંહનો ઇતિહાસ ક્લિન રહ્યો છે. તેની સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે. જોકે, ડોપ સ્ટેમાં ફેઇલ થતાં નરસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે. રિયો જનારા રેસલરને તેમના કાર્ડ આપી દેવામાં આવ્યા છે, પરંતુ નરસિંહને કાર્ડ અપાયું નથી. આ ઉપરાંત જ્યોર્જિયા જઈ રહેલા રેસલરની ટીમમાંથી પણ નરસિંહનું નામ હટાવી લેવાયું છે.
આમ નરસિંહ યાદવની રિયો ઓલિમ્પિકમાં જવાની આશા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ, રિયોમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી મોકલવાની તારીખ જતી રહી હોવાથી તેના સ્થાને સુશીલ કુમાર પણ ભાગ નહીં લઈ શકે. આથી રિયો ઓલિમ્પિકમાં આ વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ નહીં હોય.