રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતા વર્ષે ૫ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રમતોના મહાકુંભનો પ્રારંભ થશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬માં કુલ ૨૮ રમતની ૩૦૬ ઇવેન્ટ ખેલાશે.
અત્યાર સુધીમાં કુલ ૧૩૦ દેશના એથ્લીટ્સ ઓલિમ્પિક્સની કોઇને કોઇ ઇવેન્ટ માટે ક્વોલિફાઇ થઇ ચૂક્યા છે. અને હજુ ૭૬ દેશના એથ્લીટ્સ આગામી દિવસોમાં ક્વોલિફાઇ થશે તેવો આયોજકોને વિશ્વાસ છે. આમ, લગભગ ૧૦,૫૦૦ એથ્લીટ્સ ઓલિમ્પિક્સમાં આ વખતે ભાગ લઇ શકે છે. ઓલિમ્પિક્સ-૨૦૧૬ના સમગ્ર આયોજન પાછળ કુલ ૭૦૦ બિલિયન રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
ઓલિમ્પિક્સ-૨૦૧૬ની વિશેષતા
વર્ષ ૧૯૦૦માં યોજાયેલી ઓલિમ્પિક્સ બાદ પ્રથમ વાર રમતગમતના આ મહાકુંભનો ઉદ્ઘાટન અને સમાપન સમારંભ અલગ-અલગ સ્ટેડિયમમાં યોજાશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬નો ઉદ્ઘાટન સમારંભ ખૂબ જ જાણીતા ફૂટબોલ સ્ટેડિયમ મેર્કાના સ્ટેડિયમમાં યોજાશે, જેની ક્ષમતા ૮૦ હજાર પ્રેક્ષકો સમાવવાની છે. આ જ સ્ટેડિયમમાં ૨૦૧૪ના વર્ષે ‘ફિફા’ મેન્સ વર્લ્ડ કપની ફાઇનલ રમાઇ હતી. ઓલિમ્પિક્સ કુલ ૩૩ અલગ-અલગ સ્થળ પર યોજાશે.
ઓલિમ્પિક્સ-૨૦૧૬નું સૂત્ર
ઓલિમ્પિક્સ-૨૦૧૬નું સૂત્ર છેઃ લિવ યોર પેશન. ઓલિમ્પિક્સના ૧૭ દિવસ દરમિયાન બ્રાઝિલના મોટા ભાગના શહેરોએ જાહેર રજાની જાહેરાત કરી દીધી છે. ઓલિમ્પિક્સના લોગોમાં પીળો, લીલો, બ્લ્યૂ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લોગોનો આકાર રિયો ડી જાનેરોના ૧૨૯૯ ફિટની ઊંચાઇ ધરાવતા સુગરલોફ માઉન્ટેનને મળતી આવે છે. ઊર્જા, વૈવિધ્ય, કુદરત અને ઓલિમ્પિક સ્પિરિટ એમ ચાર બાબત આ લોગો દર્શાવે છે.
ઓલિમ્પિક્સ-૨૦૧૬નો વિવાદ
ઓલિમ્પિક્સ-૨૦૧૬ નજીક આવી રહી છે તેમ તેની સાથેના વિવાદનો પણ પ્રારંભ થઇ ગયો છે. તાજેતરમાં જ એક સ્ટિંગ ઓપરેશનમાં એવું સામે આવ્યું હતું કે રિયોમાં ખૂબ જ પ્રદૂષણ છે. સ્વિમિંગ પૂલમાં પણ પ્રદૂષિત પાણીને લીધે સ્વિમર્સના સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રાઝિલની આર્થિક સ્થિતિ મજબૂત નહીં હોવાથી તેના સફળતાપૂર્વક યજમાની કરવા સામે પણ પ્રશ્નાર્થ છે.
ઓલિમ્પિક્સ-૨૦૧૬માં નવી રમત
આ વખતે ઓલિમ્પિક્સમાં ગોલ્ફ, રગ્બી સેવન્સ, વિન્ડ સર્ફિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટિને બાહેંધરી આપી છે કે ગોલ્ફની ઇવેન્ટ વખતે ટાઇગર વૂડ્સ, એનિકા સોરેનસ્ટેમ જેવા મોખરાના પ્લેયર્સ ભાગ લેશે.