રિયો ડી જાનેરોઃ સ્પેનના ઓલિમ્પિક મેડાલિસ્ટ સેઇલર ફર્નાન્ડો અને તેની ટીમના બે સાથીઓને બંદૂકની અણીને લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટના સમયે આ ત્રણેય રિયો ડી જાનેરોમાં બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા હતા. આ ખતરનાક ઘટના બાદ પણ પોતે જીવિત રહ્યા હોવાથી ત્રણેય પોતાને ભાગ્યશાળી માને છે.
રિયો ઓલિમ્પિકના સેઇલિંગ ઇવેન્ટના સ્થળે પ્રેક્ટિસ કરતી વખતે ફર્નાન્ડો જણાવ્યું હતું કે અમે થોડાક ભોળા તથા સાહસિક હતા. અમે ભાગ્યશાળી છીએ કે અમે બચી ગયા છીએ. અમારામાં આત્મવિશ્વાસ હતો અને રિયોમાં આત્મવિશ્વાસ સાથે રહેવું તે સારી બાબત નથી. ફર્નાન્ડો અને સ્પેનની સેઇલિંગ ટીમના બે સભ્યો સાથે ૨૦ મેના રોજ સવારે લૂંટફાટની આ ઘટના બની હતી. પાંચ ટીનેજર્સે તેમની છાતી પર બંદૂક તાણી લીધી હતી. આ ટીનેજર્સ ૧૬ વર્ષ કરતાં મોટા નહોતા. ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે અમે અમારા મોબાઈલ ફોન અને અન્ય નાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લૂંટારાઓને આપી દીધા હતા અને ત્યાર બાદ તેઓ ભાગી ગયા હતા.