બ્યૂનસ એરિસઃ એમેચ્યોર યૂથ ટીમોની એક લીગ મેચમાં રેડ કાર્ડ દર્શાવવાથી નારાજ થયેલા ફૂટબોલરે મેદાન પર જ રેફરીને ગોળીઓ મારી દીધી હતી. રેફરીનું કેટલીક મિનિટો બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, કોરડોબામાં સ્થાનિક યૂથ ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે ૪૮ વર્ષીય રેફરી સિઝર ફ્લોરેસે એક ખેલાડીને રેડ કાર્ડ દર્શાવીને મેદાનની બહાર કર્યો હતો. આ યુવા ખેલાડી પોતાના સાથીઓ પાસેથી રિવોલ્વર લઈને મેદાનમાં પહોંચ્યો હતો અને તેણે ક્રૂરતાપૂર્વક રેફરી પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. લોહીલુહાણ રેફરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કેટલીક મિનિટો બાદ તેનું નિધન થયું હતું.
ખેલાડી મેદાનમાંથી ભાગી ગયો હતો અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. એક અન્ય ખેલાડી પણ આ ઘટનામાં ઘાયલ થયો હતો, પરંતુ તે ખતરામાંથી બહાર થયો છે. આર્જેન્ટિનામાં અધિકારીઓ ફૂટબોલ મેદાનમાં થઈ રહેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.