નવી દિલ્હીઃ ભારતનો રેસલિંગમાં ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. અલબત, આ રમતમાં ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ મેળવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ૨૩ વર્ષની સાક્ષી મલિકે રિયોમાં ફ્રીસ્ટાઇલના ૫૮ કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો મહિલા કુસ્તીમાં આ પ્રથમ તથા કુલ મળીને પાંચમો મેડલ છે.
ભારતને રેસલિંગમાં ઓલિમ્પિક ગેમ્સમાં પહેલો મેડલ ખશાબા જાધવે અપાવ્યો હતો. તેણે ૧૯૫૨ના હેલસિન્કી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ભારતને આગામી મેડલ માટે ૫૬ વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ભારતની આ ઇચ્છાને સુશીલ કુમારે સંતોષી હતી. ૨૦૦૮માં તેણે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ જીત્યો હતો. ૨૦૧૨માં ભારતે કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરીને બે મેડલ પોતાના નામે કર્યા હતા. સુશીલે આ વખતે પોતાના મેડલના રંગને બદલ્યો હતો અને તેણે લંડનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યોગેશ્વર દત્તે પણ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું.