કરાચીઃ ઇંગ્લેન્ડના લેગ સ્પિનર રેહાન અહેમદે કરાચી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બીજા દાવમાં પાંચ વિકેટ મેળવીને વિક્રમ સર્જ્યો છે. રેહાન ટેસ્ટમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. તેણે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ દાવમાં બે અને બીજા દાવમાં પાંચ મળીને સાત વિકેટ ઝડપી હતી. રેહાન અહેમદે બીજા સેશનમાં બન્ને સેટ બેટ્સમેનને આઉટ કરીને ઈંગ્લેન્ડને સફળતા અપાવી હતી.
ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં 216 રનમાં ઓલ આઉટ થઈ જતા ઈંગ્લેન્ડને 167 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. આ ટેસ્ટ જીતવાની સાથે જ ઈંગ્લેન્ડે 17 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં પાકિસ્તાનને 3-0થી વ્હાઈટ વોશ કર્યો છે. અગાઉની બે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત થઈ હતી. જેક લીચે છ બોલમાં ત્રણ વિકેટ ઝડપીને પાકિસ્તાનના ટોચના ક્રમને ધ્વસ્ત કર્યો હતો. શાન મસૂદ (24), અઝહર અલી (શૂન્ય) અને અબ્દુલ્લાહ શફીક (26) રન કરી લીચના શિકાર થયા હતા. બાબર આઝમ અને શકીલે અડધી સદી ફટકારી હતી જેને પગલે પાક. ટીમ 150થી વધુનો સ્કોર કરી શકી હતી. બાબર આઝમ આ વર્ષે 1,000 રન પૂર્ણ કરનાર ચોથો ટેસ્ટ ખેલાડી બન્યો છે.