લંડનઃ ટેનિસ વિશ્વના મહાન ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે એવી અનોખી સિદ્ધિ મેળવી છે, જે ૧૪૦ વર્ષના વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ હાંસલ કરી નથી. ‘સ્વિસ એક્સપ્રેસ’ તરીકે જાણીતા ફેડરરે રવિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની એકતરફી ફાઇનલમાં ક્રોએશિયાના મારિન સિલિચને ૬-૩, ૬-૧, ૬-૪થી હરાવીને કારકિર્દીમાં આઠમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. આ પહેલાં તે બ્રિટનના વિલિયમ રેનશો તથા અમેરિકાના પેટ સામ્પ્રાસ (બન્ને ૭-૭ વખત) સાથે બરાબરી પર હતો. ફેડરરની કારકિર્દીનો આ ૧૯મો ગ્રાન્ડ સ્લેમ પણ છે. તે અગાઉથી જ સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતનાર મેન્સ ખેલાડી બની ચૂક્યો છે.
પાંચ વર્ષ બાદ...
ઓલ ઇંગ્લેન્ડ કલબના ગ્રાસ કોર્ટ પર ફેડરરે પાંચ વર્ષ બાદ ટાઇટલ જીત્યું છે. તેણે અહીં છેલ્લે ૨૦૧૨માં ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. ૨૦૧૪ તથા ૨૦૧૫ની ફાઇનલમાં તેને સર્બિયાના નોવાક જોકોવિચ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ફેડરરે ૨૦૦૩માં ૨૧ વર્ષની વયે પોતાનો પ્રથમ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. હવે તે ૩૫ વર્ષની વયે ટાઇટલ જીતીને ઓપન એરા (૧૯૬૮થી) સૌથી વધુ વયનો ચેમ્પિયન બન્યો છે. ફેડરર પહેલાં આ રેકોર્ડ આર્થર એશના નામે હતો જેણે ૧૯૭૫માં ૩૧ વર્ષની વયે અહીં ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. ફેડરરની વિમ્બલ્ડનમાં ૧૧મી તથા કોઈ પણ ગ્રાન્ડ સ્લેમની ૨૯મી ફાઇનલ હતી.