મુંબઇઃ આઇપીએલ સિઝન-15 રસાકસીભર્યા અપ એન્ડ ડાઉન સાથે પ્લેઓફ રાઉન્ડ તરફ આગળ વધી રહી છે. રવીન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપરકિંગ્સનું સુકાન છોડ્યું છે અને હવે ધોનીએ કેપ્ટનશીપ સંભાળી છે. આ સાથે જ ચેન્નઇએ ત્રીજો વિજય મેળવ્યો છે. જોકે આ ચેમ્પિયન ટીમ માટે હવે પ્લેઓફમાં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. બીજી તરફ, પહેલી જ વખત આઇપીએલ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી નવીસવી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ એક પછી એક વિજય સાથે આગેકૂચ કરી રહી છે.
સતત પાંચ પરાજય બાદ વિજય
બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગ બાદ ટોચના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે સોમવારે રમાયેલી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો હતો. સુકાની સંજૂ સેમસનની અડધી સદી વડે રાજસ્થાન રોયલ્સે 5 વિકેટે 152 રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકાતા ટીમે 5 બોલ બાકી હતા ત્યારે જ 3 વિકેટે 158 રન કરીને વિજય હાંસલ કરી લીધો હતો. કોલકાતાનો સતત પાંચ પરાજય પછીનો આ પ્રથમ વિજય હતો. રનચેઝ કરનાર કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે 34 રનની ઇનિંગ રમવા ઉપરાંત નીતીશ રાણા સાથે ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રાણાએ 37 બોલમાં 48 તથા રિંકુ સિંઘે 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે અણનમ 66 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવી દીધો હતો.
લખનઉની વિજયપથ પર આગેકૂચ
ટૂર્નામેન્ટની 45મી મેચમાં રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 6 રને હરાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. દિલ્હી સામે 196 રનનો ટાર્ગેટ હતો જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 189 રન કરી શકી હતી. લખનઉ ટીમના મોહસીન ખાને 4 વિકેટ લીધી હતી, તો કેપ્ટન રાહુલ અને હુડાએ મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી હતી. 196 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 13 રનમાં બંને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. બાદમં કેપ્ટન રિષભ પંતે 30 બોલમાં 44 રન તો મિચેલ માર્શે 20 બોલમાં 37 રન ફટકાર્યા હતા. રોવમેન પોવેલ અને અક્ષર પટેલે (42) ધુંઆધાર બેટિંગ કરી હતી, છતાં ટીમને જીત ન અપાવી શક્યા. મોહસીન ખાને ચાર ઓવરમાં ફક્ત16 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મોહસીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
હૈદરાબાદને હરાવતું ચેન્નઇ
રવિવારે જ રમાયેલી બીજી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને પરાજય આપ્યો હતો. જીત માટે 203 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી હૈદરાબાદ ટીમના સુકાની વિલિયમ્સને 47 રનની ઇનિંગ રમી હતી જ્યારે નિકોલસ પૂરને 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા. આ પહેલા કેપ્ટનપદે મહેન્દ્રસિંહ ધોનીના આગમન સાથે જ ચેન્નઈની રમત પલટાઈ ગઇ હતી. ઓપનિંગમાં આવેલા ઋતુરાજ ગાયકવાડ અને કોનવેએ 17 ઓવરમાં 182રન ફટકાર્યા હતા. ગાયકવાડ 99 રનના સ્કોરે કેચઆઉટ થયો હતો. કેપ્ટન ધોની વનડાઉન આવ્યો હતો. તે સાત બોલમાં આઠ રન કરીને નટરાજનનો બીજો શિકાર બન્યો હતો. ચેન્નઈએ બે વિકેટે 202 રન કર્યા હતા. કોનવે 85 રને અને રવિન્દ્ર જાડેજા એક રન પર અણનમ રહ્યા હતા.
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફના પંથે
મેન ઓફ ધ મેચ રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે મેચવિનિંગ ભાગીદારી નોંધાવતા ગુજરાત ટાઈટન્સે શનિવારે રમાયેલી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ગુજરાત ટાઈટન્સે વર્તમાન આઇપીએલમાં આઠમો વિજય મેળવીને પ્લેઓફ માટે સ્થાન લગભગ નક્કી કરી લીધું છે. બીજી તરફ બેંગ્લોરનો પાંચમો પરાજય થયો છે. બેંગ્લોરે કોહલીના આક્રમક 58 રનની મદદથી છ વિકેટ 170 રન કર્યા હતા. રજત પાટીદારે બાવન તથા મેકસવેલે 33 રનનું યોગદાન આપ્યું હતું. રનચેઝ કરતા ગુજરાત માટે ટોચના તમામ બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવ્યા હતા. હાર્દિક ત્રણ રને આઉટ થયો હતો. તેવટિયાએ 43 અને મિલરે 39 રન બનાવ્યા હતા. વર્તમાન લીગમાં તેવટિયા મેન ઓફ ધ મેચ બનનાર ગુજરાતનો સાતમો ખેલાડી બન્યો હતો.
લખનઉના બોલિંગ આક્રમણે પંજાબને હરાવ્યું
ડી કોકની 46 રનની લડાયક ઈનિંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે ગયા શુક્રવારે પંજાબ કિંગ્સને 20 રનથી હરાવ્યું હતુ. જીતવા માટેના 154ના આસાન લગતા પડકાર સામે પંજાબની ટીમ 8 વિકેટે 133 રન સુધી જ પહોંચી શકી હતી. પંજાબ તરફથી બેરસ્ટોએ 32 અને અગ્રવાલે 25 રન કર્યા હતા. જ્યારે લખનઉ તરફથી મોહસીને 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડયાએ 11 રનમાં અને ચામીરાએ 17 રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.
કોલકતા માટે કાળ બન્યો કુલદીપ
ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની ચાર વિકેટ બાદ બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી દિલ્હી કેપિટલ્સે મુંબઇમાં ગયા ગુરુવારે રમાયેલી લીગ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. કોલકાતાના નવ વિકેટે 146 રનના જવાબમાં દિલ્હીએ છ વિકેટે 150 રન બનાવીને વિજય મેળવ્યો હતો. દિલ્હી માટે ઓપનર ડેવિડ વોર્નરે 26 બોલમાં 42, પોવેલે 16 બોલમાં અણનમ 33 તથા અક્ષર પટેલે રનઆઉટ થતાં પહેલાં 24 રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવે 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કોલકાતાની ઇનિંગમાં સુકાની શ્રેયસ ઐયરના 42 અને નીતીશ રાણાના 34 બોલમાં 57 રન મુખ્ય હતા. કોલકાતા સામેની પ્રથમ મેચમાં ચાર વિકેટ ઝડપનાર કુલદીપે બીજી મેચમાં પણ 14 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
રાશિદની રોમાંચક રમત
છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી આઈપીએલ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ગયા બુધવારે રમાયેલી આ મેચ ગુજરાતને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી ત્યારે રાશિદ ખાને ત્રણ અને રાહુલ તેવટિયાએ એક સિક્સર ફટકારીને ગુજરાતને વિજય અપાવ્યો હતો. હૈદરાબાદના છ વિકેટે 195 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ગુજરાતની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા. ઓપનર સાહાએ 68 રન બનાવીને ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. ઉમરાન મલિકે 25 રનમાં પાંચ વિકેટ ઝડપીને ગુજરાતની બેટિંગ લાઈન-અપ વેરવિખેર કરી નાખી હતી. છેલ્લી ઓવર સુધી મેચ હૈદરાબાદની તરફેણમાં હતી પરંતુ રાશિદ અને તેવટિયાએ ચાર ઓવરમાં 59 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. રાશિદ ખાને 11 બોલમાં 31 તથા તેવાટિયાએ 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.
ચેન્નઇનું સુકાન ફરી ધોનીએ સંભાળ્યું
ચેન્નઈ સુપરકિંગ્સનું સુકાન ફરી કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ સંભાળ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રવિવારે મેચ રમાય તેની પૂર્વસંધ્યાએ જ રવીન્દ્ર જાડેજાએ ટીમના શરમજનક પ્રદર્શન બાદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. આ સાથે જ અનુભવી ખેલાડી ધોનીને બાકીની મેચો માટે ફરી ટીમનું સુકાન સોંપાયું હતું. ટીમને ચાર - ચાર વખત ચેમ્પિયન બનાવનાર ધોનીએ 2022ની સિઝન શરૂ થાય તેની પૂર્વસંધ્યાએ જ કેપ્ટનશીપ છોડીને તમામને ચકિત કરી દીધા હતા. જોકે જાડેજા કેપ્ટનશિપના કાંટાળા તાજનું દબાણ જીરવી શક્યો નહોતો. ટીમના સતત પરાજય બાદ તેણે પોતાના પ્રદર્શન ઉપર ધ્યાન આપવા કેપ્ટનશિપ છોડી દીધી હતી.
ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું હતું કે રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જાડેજાએ સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે અને ધોનીને ફરી સુકાની બનાવવાનો આગ્રહ કર્યો હતો, જેણે ટીમના હિતને ધ્યાનમાં લાખીને ફરીથી સુકાનીપદ સ્વીકારી લીધું છે. નોંધનીય છે કે ચેન્નઈની ટીમ પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચૂકી છે અને નોકઆઉટ માટે ક્વોલિફાય થવા કોઈ મોટા ચમત્કારની જરૂર છે.