લંડનઃ રોયલ મિન્ટ દ્વારા ૨૦૨૦ના વર્ષ માટે ટોક્યો ઓલિમ્પિક્સ સહિતના સંદર્ભે ૫૦ પેન્સના સ્પેશિયલ ડિઝાઈનના પાંચ નવા સિક્કા જારી કરાયા છે. આ સિક્કા સેટના ભાગરુપે જ જારી કરાશે અને ચલણમાં ઉપયોગમાં નહિ લેવાય. ૫૦ પેન્સનો એક સિક્કો ૨૦૨૦માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક્સ વિશે હશે. રોયલ મિન્ટે ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સ અગાઉ પણ ૨૯ સિક્કા બહાર પાડ્યા હતા. આ ઉપરાંત, રોયલ મિન્ટ દ્વારા ૧,૨,૫,૧૦,૨૦,૫૦ પેન્સ તથા ૧ અને ૨ પાઉન્ડના સંગ્રહ માટેના અલગ સિક્કા પણ જારી કરાનાર છે.
આ વર્ષે ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક્સના માનમાં બ્રિટિશ રોયલ મિન્ટ પાંચ સિક્કાનો એક સેટ બહાર પાડી રહી છે. ટોક્યો ૫૦ સેન્ટના સિક્કામાં ટીમ જીબી લાયન, ઓલિમ્પિકની રિંગ્સ તેમજ સેઈલિંગ, બાસ્કેટબોલ, ઈક્વેસ્ટ્રીઅન, ફૂટબોલ અને સાયકલિંગ જેવી રમતોનો પણ સમાવેશ છે.
આ સેટના ૫૦ પેન્સના અન્ય સિક્કામાં આઠ મેએ આવનારા VE Day ની ૭૫મી વર્ષગાંઠ, પ્લીમથથી પ્રોવિન્સ ટાઉન સુધીની મેફ્લાવર યાત્રાની ૪૦૦મી વર્ષગાંઠનાં સિક્કા સાથે અગાથા ક્રિસ્ટીની પ્રથમ નવલકથાની પ્રથમ સદી નિમિત્તે બે પાઉન્ડનો સિક્કો અને કિંગ જ્યોર્જ ત્રીજાના શાસનના અંતના ૨૦૦ વર્ષ નિમિત્તે પાંચ પાઉન્ડના સિક્કાનો પણ સમાવેશ થાય છે.
આ પાંચ સિક્કાના સેટ માટે તમારે ૫૫ પાઉન્ડ ખર્ચી ઈ-બે પરથી ખરીદવાના રહેશે કારણકે આ સિક્કા સંગ્રહ માટેના છે. વર્ષના પાછળના ભાગમાં તે જાહેર વેચાણ માટે મૂકાઈ શકે છે. આ ઉપરાંત, ચાંદી અને સોનાના સિક્કાનો સેટ પણ વેચાણ માટે મૂકાશે, જેની કિંમત અને સંખ્યા હજુ જાહેર કરાઈ નથી.