લંડન: વર્ષ ૨૦૧૯ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. આ વખતે ૩૧ ડિસેમ્બરે રાત્રે ૧૨નો ટકોરો પડતાં જ માત્ર ૨૦૧૯નું વર્ષ જ નહીં ૨૦૧૦નો દાયકો પણ વિદાય લેશે. ક્રિકેટના ધર્મગ્રંથ સમાન ૧૫૫ વર્ષ પુરાણા વિઝડન દ્વારા આ નિમિત્તે ૨૦૧૦ના દાયકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટિંગ-બોલિંગ પ્રદર્શનની યાદી પ્રકાશિત કરાઇ છે.
આ દસકાની ટોપ-૫ વન-ડે ઈનિંગ્સમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોનીની ઝમકદાર ઇનિંગ્સે સ્થાન મેળવ્યું છે. જેમાં રોહિત શર્માએ ૧૩ નવેમ્બર ૨૦૧૪ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામે રમેલી ૧૭૩ બોલમાં ૨૬૪ રનની ઈનિંગ્સને ૨૦૧૦ના દાયકાની શ્રેષ્ઠ વન-ડે ઈનિંગ્સ ગણવામાં આવી છે. આ યાદીમાં ધોનીએ વર્લ્ડ કપ-૨૦૧૧માં રમેલી અણનમ ૯૧ રનની ઈનિંગ્સે ચોથું જ્યારે વિરાટ કોહલીએ ૨૦૧૨માં શ્રીલંકા સામે રમેલી ૮૬ બોલમાં અણનમ ૧૩૩ રનની ઈનિંગ્સને પાંચમું સ્થાન મેળવ્યું છે.
ટીમ સાઉથીએ ફેબ્રુઆરી ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૩૩ રનમાં ઝડપેલી ૭ વિકેટને દાયકાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ગણવામાં આવ્યું છે. વર્લ્ડ કપની આ મેચમાં સાઉથીના તરખાટ સામે ઈંગ્લેન્ડ માત્ર ૧૨૩માં ખખડ્યું હતું. આ મુકાબલામાં ઈંગ્લેન્ડનો સ્કોર એક તબક્કે ૨૫.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૦૪ હતો અને ત્યારબાદ તે ૩૩.૨ ઓવરમાં આઉટ થઈ ગયું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે ૨૨-૨૫ ઓગસ્ટ ૨૦૧૯માં એશિઝની ત્રીજી ટેસ્ટમાં બેન સ્ટોક્સે રમેલી અણનમ ૧૩૫ રનની ઈનિંગ્સને સર્વશ્રેષ્ઠ જાહેર કરાઈ છે. જેમાં ૩૫૯ રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડનો સ્કોર એક તબક્કે ૯ વિકેટે ૨૮૬ હતો. અહીંથી સ્ટોક્સે લીચ સાથે ૭૬ રનની ભાગીદારી નોંધાવીને ઈંગ્લેન્ડને ૧ વિકેટે યાદગાર વિજય અપાયો હતો.
ઓગસ્ટ ૨૦૧૫ના સ્ટુઅર્ટ બ્રોડે એશિઝ ટેસ્ટમાં ખેરવેલી ૧૫ રનમાં ૮ વિકેટને દાયકાનું શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ પ્રદર્શન ગણવામાં આવ્યું છે. જેમાં બ્રોડના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા ૬૦માં ખખડ્યું હતું.