નવી દિલ્હીઃ લલિત મોદીએ બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું છે. ટ્વિટરમાં બંનેના વર્લ્ડ ટૂરના ફોટો શેર કરીને લલિત મોદીએ પહેલી વખત સુષ્મિતા સેન સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામ બાયોમાં પણ લલિત મોદીએ એડિટિંગ કરીને સુષ્મિતા સેનને માય લવ કહીને સંબોધી હતી. થોડા સમયમાં લગ્ન થશે એવું પણ ટ્વિટરમાં લખ્યું હતું. જોકે થોડાક જ કલાકોમાં સુષ્મિતાએ આ મામલે ગોળ ગોળ સ્પષ્ટતા કરી છે. જેમાં તેણે લલિત મોદી સાથેનો સંબંધ સ્વીકાર્યો પણ નથી અને નકાર્યો નથી.
લલિત મોદીએ પહેલી ટ્વીટમાં લખ્યું હતુંઃ વર્લ્ડ ટૂરમાંથી લંડન પાછો ફર્યો છું. પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયામાં સમય ગાળ્યો હતો. એ ટ્વીટમાં લલિત મોદીએ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યો અને તેને બેટરહાફ ગણાવી. એટલું જ નહીં, એક નવી જિંદગીની શરૂઆત કરી હોવાનું પણ જણાવ્યું. આના અડધા કલાક બાદ મોદીએ બીજી ટ્વીટ કરી હતી. ઈન્સ્ટાગ્રામ બાયોમાં તેણે લખ્યું હતુંઃ અંતે એક નવી શરૂઆત થઈ છે, એ પણ સુષ્મિતા સેન સાથે. સુષ્મિતાને લલિત મોદીએ ક્રાઈમ પાર્ટનર અને માય લવ જેવા સંબોધનો કર્યા હતા.
લલિત મોદીઃ વિવાદાસ્પદ વ્યક્તિત્વ
લલિત મોદીને આઈપીએલની સ્થાપનાનો યશ મળે છે. આઈપીએલના પ્રથમ ચેરમેન બનેલા લલિત મોદીએ ત્રણ વર્ષ સુધી આઈપીએલનું સંચાલન કર્યું હતું. રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા લલિત મોદી પાંચ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉપાધ્યક્ષ પણ હતા. નાણાકીય ગેરરીતિના આરોપી લલિત મોદી પર તપાસ સમિતિએ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ઈડીએ લલિત મોદી સામે તપાસ હાથ ધરી હતી. એ ગાળામાં લલિત મોદી લંડન ભાગી ગયા હતા.
લગ્ન પણ નહીં કે સગાઈ પણ નહીંઃ સુષ્મિતા
લલિત મોદીની જાહેરાતના બીજા દિવસે સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે મારાં હજુ લગ્ન થયાં નથી કે મેં સગાઈ પણ કરી નથી. સુષ્મિતાએ પોસ્ટમાં લલિત મોદીનો કોઈ ઉલ્લેખ પણ કર્યો નથી. એક પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાની દુનિયામાં ખુશ છે. નિઃસ્વાર્થ પ્રેમભર્યા સંબંધોને માણી રહી છું. સુષ્મિતાએ એમ પણ લખ્યું છે કે આટલી સ્પષ્ટતા બસ છે.
વર્ષોજૂનો સંબંધ
સુસ્મિતા અને લલિત મોદી વર્ષોથી એકમેકના ગાઢ પરિચયમાં હોવાનું કહેવાય છે. લલિત મોદીની પત્ની મીનલનું કેન્સરથી મોત નીપજયું હતું. મીનલ અને સુસ્મિતા પણ એકમેકના સારાં મિત્રો હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલો અનુસાર લલિત મોદી પાસે રૂ. 4500 કરોડની સંપત્તિ હોવાનું મનાય છે. તેની સામે સુસ્મિતાની નેટવર્થ રૂ. 76 કરોડ આસપાસ ગણાય છે.