પેરિસઃ બાર્સેલોનાના આર્જેન્ટાઈન સ્ટાર લાયોનલ મેસ્સીએ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે બેલન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. તેણે લીવરપુલના વિર્જિલ વાન ડિજ્કને હરાવ્યો હતો. જ્યારે પોર્ટુગીઝ ફૂટબોલર રોનાલ્ડો ત્રીજા ક્રમે રહ્યો હતો. આ સાથે મેસ્સીએ સૌથી વધુ વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. નોંધપાત્ર છે કે, રોનાલ્ડો પણ પાંચ વખત એવોર્ડ જીતી ચૂક્યો છે. મેસ્સીએ આ અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૫માં બેલન ડી’ઓર ટ્રોફી મેળવી હતી.
અમેરિકન ફૂટબોલર મેગન રાપિનોને વર્લ્ડ બેસ્ટ મહિલા ફૂટબોલર જાહેર કરાઈ હતી. મેગને અમેરિકાનું વર્લ્ડ ટાઈટલ જાળવી રાખવામાં મદદ કરવાની સાથે સાથે તેણે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બૂટ એવોર્ડ પણ જીતી લીધા હતા. જોકે મેગન સેરેમનીમાં ઉપસ્થિત રહી શકી નહોતી. રોનાલ્ડોએ પણ પેરિસની સેરેમનીથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.
એવોર્ડ સમારંભમાં બાયર્ન મ્યુનિચનો પોલીશ ફૂટબોલર લેવાન્ડોવસ્કી અને તેની પત્ની એના તેમજ ડિજ્ક અને રિકે નૂઈટગેડેટ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.