લીડ્સઃ યજમાન ઇંગ્લેન્ડે મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦માં પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને સિરીઝ ૨-૧થી કબ્જે કરી છે. પાક. ટીમે છ વિકેટે ૧૫૪ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે બે બોલ બાકી હતા ત્યારે જ વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. જોકે આ સિરીઝની સૌથી યાદગાર ક્ષણ લિવિંગસ્ટોનની લોંગેસ્ટ સિક્સર બની રહેશે.
પ્રથમ ટી૨૦માં પાકિસ્તાન સામે પરાજય બાદ ઇંગ્લેન્ડે બીજી મેચમાં ૪૫ રને વિજય હાંસલ કરીને શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. ઇંગ્લેન્ડે ૧૯.૫ ઓવરમાં ૨૦૦ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પાકિસ્તાનની ટીમ નવ વિકેટે ૧૫૫ રન જ નોંધાવી શકી હતી. આ મેચમાં વિશેષ આકર્ષણ લિયાન લિવિંગસ્ટોનની સિક્સરનું રહ્યું હતું.
પ્રથમ ટી૨૦ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ નોંધાવનાર લિવિંગસ્ટોને ૩૮ બોલમાં બે બાઉન્ડ્રી અને ત્રણ ગગનચુંબી સિક્સર ફટકારી હતી. તેનો એક છગ્ગો ૧૨૨ મીટર દૂર સ્ટેડિયમની પાસે આવેલા રગ્બી ગ્રાઉન્ડમાં જઇને પડયો હતો. બોલ એમરાલ્ડ સ્ટેડિયમના ત્રણ માળને પાર કરીને બહાર જતો રહ્યો હતો.
ક્રિકેટમાં લોંગેસ્ટ સિક્સર
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિને બિગ બેશ લીગમાં શૌન ટૈટની બોલિંગમાં ૧૨૧ મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસને ભારત સામે ઇશાન્ત શર્માની બોલિંગમાં ૧૨૦ મીટર અને ભારતના યુવરાજસિંહે ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન પેસ બોલર બ્રેટ લીની બોલિંગમાં ૧૧૯ મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.