લુસાને: ભારતના ઓલિમ્પિયન તથા ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાએ એક મહિના સુધી ટ્રેક એન્ડ ફિલ્ડથી દૂર રહ્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. લુસાને ડાયમંડ લીગમાં પોતાના ગોલ્ડન આર્મનો જાદુ જારી રાખીને 89.66 મીટરના બેસ્ટ થ્રો સાથે વધુ એક વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નીરજે પાંચમા પ્રયાસમાં આ બેસ્ટ થ્રો હાંસલ કર્યો હતો. ચાલુ વર્ષે આ તેનો બીજો અને કુલ આઠમો ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ છે. આ પહેલાં પણ તેણે દોહા ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો હતો.
લુસાને ડાયમંડ લીગમાં નીરજે ફાઉલ સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે બીજા પ્રયાસમાં 83.52 મીટર અને ત્રીજામાં 85.04 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. તેનો એક પણ થ્રો ગોલ્ડ મેડલ માટે પૂરતો નહોતો. જર્મનીનો જૂલિયન વીબર 86.20 મીટરના થ્રો સાથે નીરજ કરતાં આગળ હતો. વધારે અંતર હાંસલ કરવાના પ્રયાસમાં ચોથો થ્રો ફાઉલ થયો હતો જેના કારણે તેના ઉપર દબાણ વધ્યું હતું. પાંચમા પ્રયાસે તેણે 83.66 મીટર સુધી જેવલિન ફેંક્યો હતો અને તે આ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ કરતાં આગળ નીકળી ગર્યો હતો.