નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી બે મહિનાનો બ્રેક લઈને આર્મીમાં ફરજ બજાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સૈન્યની ટેરિટોરિયલ આર્મીમાં ઓનરરી લેફ્ટનેન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા ધોની હવે ટૂંક સમયમાં જ આર્મીના યુનિફોર્મમાં કાશ્મિરમાં પેટ્રોલિંગ કરતો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટનને આર્મીએ કાશ્મીરમાં પેટ્રોલિંગની સાથે ગાર્ડ-પોસ્ટની ફરજ સોંપી દીધી છે.
ધોની ૩૧મી જુલાઈથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી ભારતીય સૈન્યમાં ફરજ બજાવશે. એક અહેવાલ અનુસાર, લેફ્ટનેન્ટ કર્નલ (ઓનરરી) એમ.એસ. ધોની ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા)ની સાથે ફરજ સંભાળશે. ધોનીનું યુનિટ કાશ્મીરમાં જવાબદારી સંભાળશે અને તે ‘વિક્ટરી યુનિટ’નો એક ભાગ છે. ધોની આ સમગ્ર સમય દરમિયાન તેના ટ્રૂપની સાથે જ રહેશે અને ગાર્ડ તેમજ પોસ્ટની જવાબદારી પણ સંભાળશે. તે આર્મીના જવાનોની સાથે પેટ્રોલિંગ પણ કરશે. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં તૈનાત વિકટરી ફોર્સમાં ધોની જોડાશે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી ગતિવિધિ વધી છે.
વર્લ્ડ કપ પુરો થતાં જ ૩૮ વર્ષીય ધોનીની નિવૃત્તિની અટકળો જોર પકડી રહી હતી. આ તબક્કે ધોનીએ સામે ચાલીને બે મહિનાના ક્રિકેટ વિરામની જાહેરાત કરવાની સાથે આ ગાળામાં આર્મીમાં ફરજ બજાવવાનો નિર્ણય જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારતીય સૈન્યે ધોનીને ૨૦૧૧માં લેફ્ટનેન્ટ કર્નલનો ઓનરરી રેન્ક આપી છે. જોકે તે આ પ્રકારે આર્મીમાં જોડાઈને ફરજ બજાવનારો પહેલો ભારતીય ક્રિકેટર બનશે.