લંડન: ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. જોકે હવે 73 વર્ષીય ગાવસ્કરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. ઇંગ્લેન્ડમાં ગાવસ્કરને એક ખાસ સન્માન મળ્યું છે. લેસ્ટરનું ક્રિકેટ સ્ટેડિયમ હવે ગાવસ્કર ગ્રાઉન્ડના નામે ઓળખાશે. એક કાર્યક્રમ દરમિયાન આ સ્ટેડિયમનું ગાવસ્કર ગ્રાઉન્ડ નામકરણ થયું હતું. આ પ્રસંગે લિટલ માસ્ટર ગાવસ્કર સ્વયં હાજર રહ્યા હતા. આ મેદાન ભારત સ્પોર્ટ્સ એન્ડ ક્રિકેટ ક્લબની માલિકીનું છે. લેસ્ટરના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવાનું અભિયાન સાંસદ કીથ શરૂ કર્યું હતું. તેમણે બ્રિટિશ સંસદમાં 32 વર્ષ સુધી લેસ્ટરનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તેમણે જ આ સ્ટેડિયમનું નામ ગાવસ્કરના નામે રાખવાની પહેલ કરી હતી.
ગાવસ્કરે તસવીર શેર કરી
ગાવસ્કરે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને લખ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે કે લેસ્ટરના મેદાનનું નામ હવે મારા નામે રખાયું છે. આ મારા માટે જ નહીં બલકે તેવા તમામ લોકો માટે ઓળખ સમાન છે જે મારી સાથે ટેનિસ બોલના દિવસથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમ્યા છે. મારા પરિવાર અને અંતમાં મારા પ્રશંસકો અને શુભચિંતકો સહિત તમામનો આભાર. આ અવિસ્મરણીય યાત્રાનો ભાગ બનવા માટે આપ તમામનો આભાર.
ગાવસ્કરના નામે સ્ટેડિયમનું નામકરણ કરાયું હોય તે પહેલી ઘટના નથી. પહેલા પણ આમ થઇ ચૂક્યું છે. આ પહેલાં અમેરિકાના કેન્ટકી અને તાંઝાનિયાના ઝાંઝીબારમાં સુનીલ ગાવસ્કરના નામે સ્ટેડિયમનું નામકરણ કરાયું છે. કેન્ટકીમાં 2017માં ક્રિકેટ સ્ટેડિયમનું નામ ગાવસ્કર પર રખાયું હતું.