લેસ્ટરઃ ઈંગ્લેન્ડના દંતકથારુપ ફૂટબોલર્સ માઈકલ ઓવેન અને સાની સુપ્રાના વડપણ હેઠળ લેસ્ટરમાં નવા પાયાના ફૂટબોલની પહેલ લોન્ચ કરવામાં આવનાર છે. આ પહેલ ડાઈવર્સ ફૂટબોલર્સની નવી પેઢી અને સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક ફૂટબોલ સાથે પરિચય કરાવાશે. આ ઈવેન્ટ ૨૦૧૯ની પહેલી ઓગસ્ટે રુશિ ફિલ્ડ્સ, રીક્રીએશન ગ્રાઉન્ડમાં લેસ્ટર ભારત ફૂટબોલ ક્લબ ખાતે લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટનું લક્ષ્ય મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયનો અને સ્થાનિક પ્રતિભાઓ પ્રોફેશનલ ફૂટબોલમાં રસ લેવામાં જાગૃત થાય તે છે.
માઈકલ ઓવેન દ્વારા આ પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે. લેસ્ટર ભારત ફૂટબોલ ક્લબ BAME કોમ્યુનિટીની મધ્યમાં આવી છે અને ઘણી યુવા પ્રતિભાઓ પ્રોફેશનલ ફૂટબોલર બનવા ઈચ્છતી હોવાથી તેની પસંદગી કરાઈ છે.
લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે,‘ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલ ખેલાડીઓમાં એક દ્વારા કોમ્યુનિટી મધ્યે આવીને આ નવા ફૂટબોલ પ્રોજેક્ટની જાહેરાત સાથે નવી પ્રતિભાઓને શોધવા અને આગળ વધારવાનું પસંદ કર્યું છે તેનાથી અમે રોમાંચિત છીએ. આ સુંદર અને યાદગાર ઈવેન્ટ બની રહેશે. મને ખાતરી છે કે સ્થાનિક લોકો દ્વારા તેનું ભારે સ્વાગત કરવામાં આવશે અને આ પ્રોજેક્ટને અમારો સંપૂર્ણ ટેકો છે.’