લોઢા રિપોર્ટ સામે લાચાર હોવાથી રાજીનામું આપ્યુંઃ મનોહરનો ખુલાસો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શશાંક મનોહરે ખુલાસો કર્યો છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન બનવા માટે મેં ભારતીય બોર્ડના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નથી. મનોહરે પોતાના રાજીનામાના સાચા કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, મને લાગે છે કે જસ્ટીસ લોઢા સમિતિના રિપોર્ટમાં કરાયેલી કેટલીક ભલામણો ભારતીય ક્રિકેટ બોર્ડના હિતમાં નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ અંગે હું કંઈ પણ કરી શકું તેમ નથી. આવા સંજોગોમાં મારો અંતરાત્મા મને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવાની ના પાડી રહ્યો હતો અને આ જ કારણથી મેં રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડ બાદ રમતને સ્વચ્છ કરવાનું બીડું ઝડપનારા વરિષ્ઠ વહિવટકર્તા શશાંક મનોહરે ૧૦ મેના રોજ ક્રિકેટ બોર્ડના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. આ સમયે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ આઈસીસીના પ્રથમ સ્વતંત્ર ચેરમેન બને એમ છે. ૫૮ વર્ષીય મનોહરે જગમોહન દાલમિયાના નિધન બાદ આ ધનાઢ્ય બોર્ડનું સુકાન બીજી વખત સંભાળ્યું હતું અને તેમણે સુપ્રીમ કોર્ટે નીમેલી જસ્ટિસ લોઢા સમિતિની ભલામણોના અમલની કપરી જવાબદારી નિભાવવાનો વારો આવ્યો હતો.
બીસીસીઆઇના સેક્રેટરી અનુરાગ ઠાકુરને સંબોધીને પાઠવેલા પત્રમાં મનોહરે જણાવ્યું હતું કે હું બીસીસીઆઇના પ્રમુખપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.