લંડનઃ લોર્ડ કમલેશ પટેલે ક્રિકેટર અઝીમ રફિક રેસિઝમ કૌભાંડના પગલે આંતરિક યાદવાસ્થળીના પગલે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ છોડી દેવાની ધમકી ઉચ્ચારી છે. લોર્ડ પટેલ સામે આક્ષેપો કરાઈ રહ્યા છે કે તેમણે આ કૌભાંડનો મામલો યોગ્ય રીતે હાથ ધર્યો નથી. ચોતરફથી ઘેરાયેલા YCCCના ચેરમેન લોર્ડ પટેલે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ-ECB ને પત્ર લખી બોર્ડ તરફથી પૂરતા સહયોગના અભાવે તેઓ કામ કરી શકશે નહિ તેમ જણાવ્યું છે.
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ચેરમેન લોર્ડ કમલેશ પટેલે અઝીમ રફિક રેસિઝમ કૌભાંડના પગલે કાઉન્ટીમાં આંતરિક યુદ્ધ જામવાના પગલે હોદ્દો છોડી દેવાની ધમકી આપી છે. આના પરિણામે, YCCCના આંતરરાષ્ટ્રીય દરજ્જા અને ભવિષ્ય મુદ્દે ભય સર્જાયો છે. રેસિઝમ કૌભાંડના પગલે આ ઉનાળામાં હેડિંગ્લે ખાતે ઈંગ્લેન્ડની મેચીસ યોજવાના પ્રયાસોમાં નિષ્ફળતા સહિત સ્કેન્ડલના પરિણામોને હાથ ધરવામાં લોર્ડ પટેલ નિષ્ફળ ગયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.
YCCCના આંતરરાષ્ટ્રીય દરજ્જાને પુનઃસ્થાપિત કરવા કેટલાક આવશ્યક સુધારા રજૂ કરાયા છે તેના પર મતદાન કરવા ECB દ્વારા 31 માર્ચની આખરી તારીખ અપાઈ છે. લોર્ડ પટેલના એક પુરોગામી ચેરમેન રોબિન સ્મિથે સમગ્ર પ્રક્રિયાની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. સ્મિથે ક્લબની સમગ્ર કોચિંગ ટીમને બરખાસ્ત કરવા બદલ જે લાખો પાઉન્ડનું વળતર આપવું પડે તેના માટે લેબર લોર્ડને અંગત રીતે જવાબદાર ગણવાનો દાવો કર્યો છે.
લોર્ડ પટેલે ECBના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન સહિત સીનિયર્સને પત્ર લખી જણાવ્યું છે કે બોર્ડ તરફથી સત્તાવાર મક્કમ સહયોગના અભાવે તેમની સામે કાનૂની દાવો કરાઈ શકે છે. સ્મિથની મુખ્ય માગણી બહુમતી બિનયોર્કશાયર સભ્યોને ક્લબના બોર્ડમાં નિયુક્ત કરવાની યોજના રદ કરવાની છે. દરમિયાન, ECBએ લોર્ડ પટેલ અથવા રોબિન સ્મિથમાંથી કોની તરફદારી કરાશે તેવો કોઈ સંકેત આપ્યો નથી.