ઓવલમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત અગાઉ હાઉસ ઓફ લોર્ડ્સના બ્રિટિશ ભારતીય સભ્યલોર્ડ જિતેશ ગઢિયાએ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ચેરમેન નોર્મન ટેબીટ દ્વારા શરૂ કરાયેલી ‘ક્રિકેટ ટેસ્ટ’ના સતત પ્રાસંગિકતા વિશે પ્રશ્ર ઉઠાવ્યો હતો. ટેબીટે ઈમિગ્રન્ટ્સને ઈંગ્લેન્ડની ટીમ પ્રત્યે વફાદારી દર્શાવવા જણાવ્યું હતું.
‘સન્ડે ટાઈમ્સ’ માટે લખતાં લોર્ડ ગઢિયાએ દલીલ કરી હતી,‘ કથિત ટેબીટ ટેસ્ટ ઈમિગ્રન્ટ્સને તેમના જૂના અને નવા દેશમાંથી એકની પસંદગી કરવાનું જણાવે છે. જોકે, તેમની તે વાત હવે જૂની લાગે છે કારણ કે હવે એક કરતાં વધુ ઓળખમાં લોકોને વાંધો હોતો નથી.’
તેમણે સમજાવ્યું હતું,‘ ટેબીટે ૧૯૯૦માં ટિપ્પણી કરી હતી. જોકે, તે સમય વફાદારી વિશે પ્રશ્રો ઉઠે તેવો હતો અને સામાજિક એકતા ઓછી હતી. આપણે જાણીએ છીએ કે સૌથી વધુ દેશભક્ત બ્રિટિશ નાગરિકોમાં ડાયસ્પોરા કોમ્યુનિટીઝ સામેલ છે અને તેમને તેમની વીરાસત માટે પણ તેટલું જ ગૌરવ છે.’
ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટોના વેચાણમાં ૪૦ ટકા જેટલી ટિકિટો સાઉથ એશિયન ડાયસ્પોરા કોમ્યુનિટીઝ - બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા - દ્વારા લેવામાં આવી હતી તે માહિતી જાહેર થયા બાદ લોર્ડ ગઢિયાએ આ ટિપ્પણી કરી હતી. આ કોમ્યુનિટીના દર્શકો મોટી સંખ્યામાં તેમના વતનની ટીમોના સમર્થનમાં આવશે. છ અઠવાડિયાની ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા દસ દેશોમાંથી નવ દેશ કોમનવેલ્થના સભ્યો છે.
લોર્ડ ગઢિયાએ નોંધ્યુ હતું,‘ ક્વિન અને ઈંગ્લિશ ભાષા સિવાય જે દેશોમાં ક્રિકેટની નિકાસ થઈ હતી તે દેશોને સંગઠિત કરે તેવું બળ ક્રિકેટ જ છે.’ લોર્ડ ગઢિયાએ દેશો, લોકો અને ધર્મો વચ્ચેના સંબંધોને ઘડવામાં ક્રિકેટના વ્યાપક મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ‘ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મોટાભાગે તંગદિલીભર્યા રહે છે પરંતુ, ૧૯૫૨-૫૩માં તે પહેલી ટેસ્ટ સિરીઝ રમ્યા ત્યારથી ક્રિકેટ પીચ પર તો ભેગા મળે જ છે. ભારત અને પાકિસ્તાન માટે ક્રિકેટ એક ધગશ છે અને વાતચીત માટે સારું માધ્યમ છે.’
૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ઓપનીંગ મેચ વિશ્વભરમાં લગભગ એક બિલિયન દર્શકોએ નિહાળી હતી. આ બન્ને ટીમો ૧૬મી જૂને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ટકરાશે ત્યારે કદાચ આ રેકોર્ડ તૂટે તેવું બને.
દેશોમાં વિવિધ લોકો અને ધર્મોને સંગઠિત બનાવવા માટે લોર્ડ ગઢિયાએ ક્રિકેટની રમતની પ્રશંસા કરી હતી. વર્લ્ડ કપ રમી રહેલા દસ દેશોમાંથી પાંચમાં ખ્રિસ્તીઓની અને ત્રણમાં મુસ્લિમોની બહુમતી છે. ભારતમાં ૮૦ ટકા હિંદુ અને શ્રીલંકામાં ૭૦ ટકા બૌદ્ધ છે. ટીમોમાં જુદાજુદા ધર્મો અને પશ્ચાદભૂમિના ખેલાડીઓ અને સમર્થકો આવે છે. ઈંગ્લેન્ડને પ્રતિભાશાળી ઓલરાઉન્ડર અને ચુસ્ત મુસ્લિમ મોઈન અલી માટે ગોરવ છે. અગાઉના વર્ષોમાં પાઘડીધારી સ્પિન બોલર મોન્ટી પાનેસર હતો જે ઈંગ્લેન્ડ તરફથી ૫૦ ટેસ્ટ મેચ રમ્યો હતો.
યુકેમાં બ્રેક્ઝિટને લઈને આતુરતાના મૂડના સંદર્ભમાં લોર્ડ ગઢિયાને લાગ્યું,‘ આપણી સામૂહિક ચિંતા માટે રમતગમત સાથેનો સમર યોગ્ય એન્ટિડોટ છે. વધુ તો એટલા માટે કે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વિજેતા બને તેવી સંભાવના છે.’
સમાપનમાં તેમણે કહ્યું, ‘ ક્રિકેટ વર્લ્ડ કપમાં મેદાન પર રોમાંચ અને ડ્રામા જોવા મળશે. પરંતુ, તેમાં દેશો અને ધર્મોના સીમાડાઓથી આગળ વધીને લોકોને એકસાથે લાવવાનો લાભ પણ મળી શકે. ’