મુંબઈ: ભારતની યજમાનીમાં 10 ટીમો વચ્ચે પાંચમી ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમાશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં 2019ના વર્લ્ડ કપની ફાઇનાલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત આઠમી ઓક્ટોબરે ચેન્નઇમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં બહુપ્રતિષ્ઠિત મહામુકાબલો રમાશે.
આઠ ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ચૂકી છે અને બાકીના બે સ્થાનો માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ રમાઈ રહ્યા છે. છ ટીમો સુપર સિક્સમાં પહોંચી ચૂકી છે અને તેમાંની બે ટીમો વર્લ્ડ કપના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવશે. તમામ ટીમો બાકીની નવ ટીમો સાથે રાઉન્ડ રોબિન લીગ રમશે અને પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી ચાર ટીમો સેમિફાઇનલ રમશે અને તેમાં જીતનાર બે ટીમો અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઇનલ રમશે. રાઉન્ડ રોબિન લીગ તબક્કાની છેલ્લી મેચ 12 નવેમ્બરે રમાશે. ત્યારબાદ 15 અને 16 નવેમ્બરે અનુક્રમે મુંબઇ અને કોલકાતામાં સેમિફાઇનલ રમાશે. ત્રણેય નોકઆઉટ મુકાબલા માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. તમામ નોકઆઉટ મેચો ડે-નાઇટ રહેશે. હૈદરાબાદ, ગુવાહાટી તથા ત્રિવેન્દ્રમ 19મી સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચોની યજમાની કરશે.
ભારત કોહલી માટે ટ્રોફી જીતશે: સેહવાગ
ભારતના ભૂતપૂર્વ ઓપનર તથા વર્લ્ડ કપ વિજેતા ખેલાડી વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું હતું કે પૂરો દેશ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીને પ્રતિષ્ઠિત ટ્રોફી ઉઠાવતો જોવાની રાહ જોઇ રહ્યો છે. અમે ધોનીના નેતૃત્વમાં સાથી ખેલાડી સચિન તેંડુલકરને યાદગાર વિદાય મળે તે માટે ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કર્યો હતો. કોહલી ઊંચા સ્થાને રહેવા માટેનો હકદાર છે અને વર્લ્ડ કપ જીતવો તે આ સ્ટાર બેટ્સમેનની કારકિર્દીનો શાનદાર તાજ રહેશે. 34 વર્ષીય કોહલી મર્યાદિત ઓવર્સની ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે અને તે ટૂર્નામેન્ટમાં પોતાની વિશેષ છાપ છોડવા માટે આતુર રહેશે.
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ફાઇનલ રમાશેઃ મુરલીધરન
વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ દિગ્ગજ ખેલાડીઓએ કઇ ટીમ ચેમ્પિયન બનશે તે સહિતની વિવિધ પ્રકારની અટકળો શરૂ કરી દીધી છે અને તેમાં શ્રીલંકાનો દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પણ સામેલ છે. મુરલીધરને ભારતીય ટીમ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. મુરલીધરને જણાવ્યું હતું કે ભારત પાસે ઇતિહાસ રચવાની તમામ તક રહેશે. રોહિત શર્માની ટીમને તેના ઘરઆંગણે હરાવવી તે કોઇ પણ ટીમ માટે આસાન રહેશે નહીં. ભારત પોતાના દેશમાં એક અલગ એપ્રોચ સાથે રમે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ રમાઇ શકે છે. જોકે ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમોથી સાવચેત રહેવું પડશે.