કોપન હેગનઃ ભારતીય તીરંદાજ રજત ચૌહાણનો વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ભલે પરાજય થયો હોય, પણ તે દેશ માટે ઐતિહાસિક સિલ્વર જીતવામાં સફળ રહ્યો હતો. શનિવારે આ સિદ્ધિ હાંસલ કરવા સાથે જ રજત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વ્યક્તિગત મેડલ જીતનારો પ્રથમ ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજ બન્યો છે.
જોકે ભારતીય મહિલા રિકર્વ ટીમે બે સેટની સરસાઈ છતાં રવિવારે અહીં ટોચની ક્રમાંકિત રશિયન ટીમ સામે શૂટ ઓફમાં પરાજય સાથે વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આમ વર્તમાન વર્લ્ડ આર્ચરી ચેમ્પિયશીપમાં ભારતે બે સિલ્વર મેડલ જીત્યા છે. ચેમ્પિયનશિપમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.